સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર પરિણીત શખ્સને અંતિમ શ્ર્વાસ સુધીની સજા ફટકારતી કોર્ટ

13 વર્ષની બાળાનું અપહરણ કરી હવસનો શિકાર બનાવ્યાના પોકસો એકટના ગુનામાં ધરપકડ થઈ’તી

શહેરમાં ભાવનગર રોડ ઉપર આવેલ અમુલ સર્કલ પાસે ફૂટપાથ ઉપર રહેતા પરિવારની 13 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે પરિણીત બિહારી શખ્સને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારતો હુકમ ફરમાવ્યો છે. આ કેસની હકીકત મુજબ શહેરમાં ભાવનગર રોડ ઉપર આવેલ અમુલ સર્કલ પાસે ફૂટપાથ ઉપર રહેતા પરિવારની 13 વર્ષની સગીરાને આરોપી બીગનકુમાર ઉર્ફે ધર્મેન્દ્ર ઉર્ફે છોટુ રામનરેશ શાહ (રહે. ગામ મારવા જિલ્લો સીતા મઢી બિહાર) ગત તારીખ 2- 12- 2023 ના રોજ અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ભોગ બનનાર સગીરના પરિવારે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી બીગનકુમાર ઉર્ફે ધર્મેન્દ્ર ઉર્ફે છોટુ રામનરેશ શાહની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળી આવતા તપાસ અધિકારી દ્વારા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ પોકસો અદાલતમાં ચાલવા ઉપર આવતા પ્રોસિક્યુસન દ્વારા ફરિયાદી તેમજ ભોગબનનાર સગીરાની જુબાની લેવામાં આવેલ અને તેઓની જુબાનીમાં તેઓએ બનાવની સંપૂર્ણ હકીકતને સમર્થન કરતા જુબાની આપેલ તેમજ પ્રોસિક્યુસન દ્વારા ડોક્ટર અને કેસની તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવેલ અને પ્રોસિક્યુસન દ્વારા ફરિયાદ, મેડિકલ સર્ટિફિકેટ અને એફએસએલ રિપોર્ટ સહિતના દસ્તાવેજી પુરાવાઓ પોક્સો અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ અને મૂળ ફરિયાદીના વકીલ દ્વારા વિસ્તૃત દલીલ કરવામાં આવી હતી કે, આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે અને આરોપી એક પરિણીત પુરુષ છે અને તેઓ તેર વર્ષની સગીરાને લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ આચરેલ છે અને સગીરાએ અદાલતમાં આરોપી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની જુબાની આપેલ છે. ફરિયાદી, ભોગબનનાર, ડોક્ટર અને પોલીસ અધિકારીની જુબાનીથી તેમજ દસ્તાવેજી પુરાવાઓથી પ્રોસીકયુષને તેમનો કેસ સાબિત કર્યો છે તે બાબતની વિસ્તૃત દલીલ પ્રોસીકયુશન દ્વારા કરવામાં આવી હતી. જે ધ્યાને લઇ પોક્સો અદાલતના સેશન્સ જજ જે. ડી. સુથારે આરોપી બીગનકુમાર ઉર્ફે ધર્મેન્દ્ર ઉર્ફે છોટુ રામનરેશ શાહને આજીવન કેદની અંતિમ શ્વાસ સુધીની સજા ફરમાવતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ જી. પીપળીયા તેમજ મૂળ ફરિયાદી વતી તુષાર ગોકાણી, રિપન ગોકાણી, કેવલ ગોટી, હાર્દિક શેઠ, વિરલ ધરાંગિયા ઉજેર કુરેશી અને યશ પટેલ રોકાયા હતાં.

રિલેટેડ ન્યૂઝ