ITના દરોડા દરમિયાન આવક છુપાવવા અને સોગંદ ઉપર ખોટો પુરાવો આપવાના બે કેસમાં આરોપીને શંકાનો લાભ

રાજકોટના જમીન-મકાનના ધંધાર્થીના ત્યાં રેડ કર્યા બાદ ગુના દાખલ કરાયા’તા

ઇન્કમટેક્સના દરોડા દરમ્યાન આવક છુપાવવા અને સોગંદ ઉપર ખોટો પુરાવો આપી આયકર ટુકડીને ગેરમાર્ગે દોરવાના બે કેસમાં અદાલતે જમીન મકાન ધંધાર્થીને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટનાં પંચનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા જમીન-મકાનનાં ધંધાર્થી પ્રવીણચંદ્ર લીલાધરભાઈ જોષીને ત્યાં ઈન્કમટેક્ષ દ્વારા રેડ કરી સર્ચ હાથ ધરવામાં આવતા રોકડા, ફિકસ ડીપોઝીટ, લુઝ પેપર્સ અને બુક ઓફ એકાઉન્ટ કબજે કરવામાં આવ્યા હતા. સર્ચમા લાખો રૂપિયા છુપાવેલી આવક પ્રવીણચંદ્ર જોષીએ સોગંદ ઉપરના નિવેદનમાં જાહેર કરી હતી. બાદ ઈન્કમટેક્ષ દ્વારા કબજે કરેલા મુદામાલનું વેરિફિકેશન કરતા પ્રવીણચંદ્ર જોષીએ જાહેર કરેલા રકમ કરતા પણ વધારે રકમની આવક હોવાનું જાહેર થતાં અધિકારીએ તે સંદર્ભે પ્રવીણચંદ્ર જોષીનો ખુલાસો પુછતા કોઈ સંતોષજનક પુરાવો અધિકારી સમક્ષ રજુ કર્યું નથી. જેથી આકારણી અધિકારીએ તે રકમ જમીનના સોદામાંથી મેળવેલ હોવાનું જાહેર કરેલ હતું. બાદ પ્રવીણચંદ્ર જોષી વિરૂધ્ધ ઈન્કમટેક્ષ એકટની કલમ પેનલ્ટી પ્રોસિડિંગ્સ દાખલ કરેલ હતા. જે સામે પ્રવીણચંદ્ર જોષીએ કમિશનર ઓફ ઈન્કમટેક્ષ સમક્ષ અપીલ દાખલ કરતા તે અપીલ નામંજુર કરી હતી. આથી પ્રવીણચંદ્ર જોષીએ ઈન્કમટેક્ષ ટ્રિબ્યુનલમાં સેક્ધડ અપીલ દાખલ કરી હતી. જે અપીલ પેન્ડિંગ હતી તે દરમ્યાન રાજકોટનાં ઈન્કમટેક્ષ ઓફિસરે આરોપી પ્રવીણચંદ્ર જોષી વિરૂધ્ધ જાણી જોઈને પોતાના બુક ઓફ એકાઉન્ટમાં સાચી વિગતો છુપાવી ઈન્કમટેક્ષ રિટર્ન ફાઈલ કરેલ હોય તથા સર્ચ દરમ્યાન પણ આકારણી અધિકારી સમક્ષ સોગંદ ઉપર ખોટી હકીકતો જાહેર કરેલી હોવાના આરોપસર જયુ. મેજિ.ની કોર્ટમાં બીજી ફરીયાદ દાખલ કરી હતી. જે ફરિયાદ સુનવણી ઉપર આવતા આરોપીના એડવોકેટ શ્યામલભાઈ સોનપાલે ફરિયાદી અધિકારીની ઉલટ તપાસમાં ખુલેલા વિરોધાભાષો તથા ઈન્કમટેક્ષ એકટ તથા ઈન્ડિયન પિનલ કોડની કાનુની જોગવાઈઓ સંદર્ભેની દલીલો અને તેના સમર્થનમાં સર્વોચ્ચ અદાલત તથા વડી અદાલતોના ચુકાદાઓ રજુ કરી પ્રવીણચંદ્ર જોષીને છોડી મુકવા રજુઆતો કરી હતી. જે ધ્યાને લઈ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા પ્રવીણચંદ્ર જોષીને શંકાનો લાભ આપી બંને કેસોમાં છોડી મુકવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં રાજકોટના યુવા ધારાશાસ્ત્રી શ્યામલભાઇ સોનપાલ, મનોજભાઈ તંતી, નિલેશ વેકરીયા, મલ્હાર સોનપાલ અને લીગલ આસિસ્ટન્ટ દિવ્યા જાની રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ