રાજકોટમાં પાડોશી પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ: બે યુવકને ઈજા

લક્ષ્મીવાડીમાં સામું કેમ જોવે છે તેમ કહી યુવાન ઉપર એક શખ્સનો ધોકા વડે હુમલો

રાજકોટ શહેરમાં થોરાળા વિસ્તારમાં રહેતા બે પાડોશી પરિવાર વચ્ચે નજીવા પ્રશ્ને મારામારી થઈ હતી જેમાં સામસામા પક્ષે બંને યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થોરાળામાં રહેતા અજયભાઈ મનુભાઈ મકવાણા નામનો 20 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં પાડોશમાં રહેતા બીપીન ચૌહાણ નામના શખ્સે પાઇપ વડે માર માર્યો હતો. જ્યારે વળતા પ્રહારમાં બીપીન દેવજીભાઈ ચૌહાણ નામના 34 વર્ષના યુવાન ઉપર અજય અને અલ્પેશ સહિતના શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો મારામારીમાં બંને યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બીપીન ચૌહાણ દારૂના નશામાં ઘર પાસે ગાળો બોલતો હતો જેથી અજય મકવાણાએ ગાળો બોલવાની ના પાડતાં હુમલો કર્યો હોવાનું અજય મકવાણાએ જણાવ્યું હતું. જ્યારે બીપીનભાઈ ચૌહાણના બહેને જણાવ્યું હતું કે અજય મકવાણાનો પરિવાર બીપીનભાઈ ચૌહાણની પત્ની રક્ષાબેનને મારવા દોડતા મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગાયત્રીનગર મેઇન રોડ ઉપર રહેતા ગૌતમ રમેશભાઈ ગઢવી નામનો 25 વર્ષનો યુવાન લક્ષ્મીવાડી વિસ્તારમાં હતો. ત્યારે નીલ બોરીચા નામના શખ્સે સામું કેમ જોવે છે તેમ કહી ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ