ગુરૂ, સોમવારી બજારને કારણે ટ્રાફીકનું કોઠારીયા ચોકડીએ ગેરકાયદે બાંધકામ હટાવવા માંગ : દુષિત પાણી અને સફાઇનાં પણ અનેક પ્રશ્ર્નો રજુ કરાયા
મેયર તમારે દ્વાર અંતર્ગતનો લોક દરબાર આજે વોર્ડ નં.17માં પહોંચ્યો હતો. આ લોક દરબારમાં ધારણા કરતા ઓછા 40 પ્રશ્ર્નો લોકોએ રજૂ કર્યા હતા. તો સોમવારી અને ગુરૂવારી બજારના ટ્રાફિક, પીવાના ગંદા પાણી, કોઠારીયા ચોકડીએ ડિમોલીશન કરવા સહિતના પ્રશ્ર્નો નાગરિકોએ રજૂ કર્યા હતા.
આજે વોર્ડ નં.17માં વોર્ડ ઓફીસ, ગોપાલવાડીની બાજુમાં, સહકાર મેઈન રોડ પર યોજાયેલા લોક દરબારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ-5, બાંધકામ-8, ટી.પી.-4, આરોગ્ય-1, દબાણ હટાવ-1, ગાર્ડન-3, ફાયર શાખા-1, વોટર વર્કસ-4, વેરા વસુલાત-3, મેલેરિયા-1, અન્ય વિભાગ-1, માર્કેટ શાખા-1, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ-3, ડ્રેનેજ-2 ચુંટણી વિભાગ- 1, રોશની વિભાગનો એક પ્રશ્ર્ન આવ્યો હતો. કોઠારીયા ચોકડીએ દબાણોના કારણે ટ્રાફિક પ્રશ્ર્ન હોય ત્યાં ડિમોલીશન કરવાની માંગણી આવી હતી. તો ગેરકાયદે બાંધકામની ટીપી શાખાને લગતી પણ ચાર ફરિયાદ આવી હતી.
વોર્ડ નં.17ના નાગરિકો દ્વારા સહકારનગર મેઈન રોડ પર સાઈન બોર્ડ લગાવવા, કોઠારીયાથી લોઠડા જી.આઈ.ડી.સી. સુધી સીટી બસનો રૂટ લંબાવવા, કોઠારીયા ચોકડી ખાતે ડીમોલિશન કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા, કોઠારીયા ચોકડી ખાતે આવેલ પૂલનું સમારકામ કરવા, સહકાર મેઈન રોડ પર તથા સિંદૂરીયા ખાણ પાસે નિયમિત સફાઈ કરવા , સહકાર મેઈન રોડ પર નિયમિત ફોગિંગ કરવા, સહકાર મેઈન રોડ પર આવેલ ખાલી પ્લોટમાં ગાર્ડન બનાવવા, ન્યુ મેઘાણી શેરી નં.6માં સફાઈ નિયમિત કરવા, હસનવાડીમાં સોમવાર અને ગુરુવારે ભરાતી બજારના લીધે ટ્રાફિક અને ગંદકીનું સામનો કરવો પડે છે, સહકારનગર-3માં વૃક્ષ કાપેલી ડાળીઓ ભરી જવા, અનિયમિત પાણી આવે છે,પાણીનો ફોર્સ ઓછો આવે છે, હરિધવા રોડ પર આવેલ વિસ્તારમાં સફાઈ કામદારની સંખ્યા વધારવા, વાલકેશ્વર શેરી નં.8માં પીવાના પાણીમાં ગંદુ પાણી આવે છે વગેરે પ્રશ્ર્નો રજૂ થયા હતા.
આ લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, પ્રમુખ મુકેશભાઈ દોશી, 70 વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર વિનુભાઈ ઘવા, કીર્તિબા રાણા, ડે.કમિશનર હર્ષદ પટેલ, મેનેજર કૌશિક ઉનાવા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, સીટી એન્જી. અતુલ રાવલ, રોશની સીટી એન્જી. બી.ડી.જીવાણી, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડો. લલિત વાજા, એન્ક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, નાયબ આરોગ્ય અધિકારી ડો. હાર્દિક મેતા, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, આગેવાનો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.