રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના તહેવારોમાં સતત પાંચ દિવસ સુધી ભારે વરસાદ વરસાવ્યા બાદ મેઘરાજાએ પોરો ખાધો હતો. ત્યાર બાદ હવામાન વિભાગ દ્વારા ફરી વખત આજથી વરસાદની આગાહી કરતા મોડી રાત્રીથી કાળાડીબાંગ વાદળો શહેર ઉપર છવાયા હતાં. ઝાપટા સ્વરૂપે રાત્રીના સમયે શરૂ થયા બાદ સવારે 10 વાગ્યા સુધીમાં પોણો ઈંચ પાણી વરસી ગયું હતું. ત્યાર બાદ ફરી સુર્યનારાયણના દર્શન થયા હતાં. છતાં આગાહીના પગલે વધુ વરસાદ થવાની શક્યતા જોવાઈ રહી છે. રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રીના વાદળોની જમાવટ થયા બાદ ઝાપટાઓ શરૂ થયા હતા સવારે 7 વાગ્યે વરસાદની ઝડપ વધતા 10 વાગ્યા સુધી એકધારો વરસાદ વરસ્યો હતો. જેના લીધે સેન્ટ્રલઝોનમાં 20 મીમી, વેસ્ટઝોનમાં 19 મીમી અને ઈસ્ટ ઝોનમાં 20 મીમી જેટલુ પાણી વરસી જતાં સિઝનનો કુલ વરસાદ 43 ઈંચને પાર થઈ ગયો છે. આજે પણ વરસાદ વરસતા અનેક સ્થળોએ પાણી ભરાવાની તેમજ વૃક્ષોની ડાળીઓ તુટવાની ફરિયાદો મનપામાં નોંધાઈ હતી. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવેલ હોય સંભવત સાંજે વધુ વરસાદ પડવાની શક્યતા જોવાઈ રહી છે. આજના પોણો ઈંચ વરસાદના પગલે શહેરના ન્યારી-1 અને ન્યારી- 2 ડેમમાં નવા વરસાદી પાણીની આવક થયાનું જાણવા મળેલ છે.
ન્યારી-1,2 અને ડોંડી ડેમના ફરી વખત દરવાજા ખોલાયા
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પાસે આવેલ ન્યારી- 1 જળાશયનો 1 દરવાજો 0.3 મીટર અને ડોંડી જળાશયના 2 દરવાજા 0.3 મીટર ખોલવામાં આવેલ છે. આથી ન્યારી-1ના હેઠવાસમાં આવેલ ઈશ્ર્વરીયા વોટર સપ્લાય, હરિપર પાળ, વડવાળી વાજડી, ખંભાળા, ન્યારા, પડધરી, રામપુર, રંગપુર, તરધડી, ગઢીવાળી વજેલી, વેજાગામ, વેજાગામ-વાજડી, વાજડી- વિરડાવાળી તેમજ ડોંડી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના હિદડ, પાંભર ઈટાળા, નાના ઇટાળા, લક્ષ્મી ઇટાળા વગેરે ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદારશ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે. જ્યારે ન્યારી-2 ડેમના બે દરવાજા 0.3 મીટર ખોલવામાં આવતા હેઠવાસના ગોવિંદપુર, ખામટા, રામપર સહિતના ગામોને સાવચેત કરાયા છે.
ભારે વરસાદમાં ભયગ્રસ્ત વૃક્ષો, ડાળીઓ પડવાની 602 ફરિયાદનો નિકાલ કરાયો
રાજકોટ મહાનગરપાલિકા ગાર્ડન શાખા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂૂપે શહેરમાં આવેલ મુખ્ય રસ્તાઓ પર નમી ગયેલ, ટ્રાફીકને અવરોધરૂૂપ અને સૂકા વૃક્ષો, ભયગ્રસ્ત વૃક્ષો/ વૃક્ષોની ડાળીઓના જરૂૂરી સર્વે કરી આવા ભયગ્રસ્ત વૃક્ષો/વૃક્ષોની ડાળીઓને દૂર કરવા માટે રોશની વિભાગ, પી.જી.વી.સી.એલ. તેમજ ટ્રાફીક પોલીસનો સહકાર મેળવી કામગીરી કરવામાં આવેલ હતી. કે, રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડીયામાં અતિ ભારે વરસાદને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષો/વૃક્ષોની ડાળીઓ પડી જવા પામેલ છે. ગાર્ડન શાખાના સ્ટાફ દ્વારા અવિરત અને મોડી રાત સુધી વૃક્ષો/વૃક્ષોની ડાળીઓના નિકાલની કામગીરી લગત વોર્ડના કોર્પોરેટરઓના સહયોગથી તાત્કાલિક કરવામાં આવેલ છે. તા.25/08/2024 થી તા.02/ 09/2024 દરમ્યાન વૃક્ષો-ડાળીઓના નિકાલની કામગીરીમાં 602 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો.