રાજકોટના ચકચારી જમીન પ્રકરણમાં બિલ્ડર રામાણીની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટે

પોલીસે લૂંટની ખોટી ફરીયાદ લઇ જમીનનું સેટલમેન્ટ કરાવવા બળજબરીથી નામ લખાવ્યાની રજુઆત

શહેરમાં પોલીસ સ્ટેશનમાં મેંગો માર્કેટ ખાતે આવેલી જમીનની તકરારમાં લુંટની કલમો લગાડી ખોટી ફરિયાદ દાખલ કરી સહ આરોપી પાસેથી બળજબરીથી બીલ્ડર કમલેશ રામાણીનું નામ ખોલાવી કાવત્રાની કલમોનો ઉમેરો કરી કમલેશ રામાણીનું નામ ખોલાવતા બીલ્ડરે ગુજરાત હાઈકોર્ટમાં કાર્યવાહી કરતા હાઈકોર્ટ દ્વારા ધરપકડ સામે મનાઈ હુકમ આપેલ છે.આ કેસની હકિકત મુજબ મનસુખભાઈ શીવાભાઈ તલસાણીયાએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે, રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ મેંગો માર્કેટ પાસે આવેલ રેવન્યુ સર્વે નં. 37, 1 અને 2 ની જમીન કે જે કરોડો રૂપીયાની છે તે જમીન ફરિયાદી તથા તેના ભાગીદારોએ જમીનના મુળ માલીક દીલીપભાઈ કરશનભાઈ મક્વાણા પાસેથી અવેજ આપી સાટાખત કરાવી ખરીદ કરેલ. જે જમીનમાં સીસીટીવી કેમેરા કીમત રૂા.18,000/- ના રાખેલ હતા અને આ કેમેરા તા.24/7/24 ના રોજ મયુર રૂપારેલીયા તથા અન્ય બે ઈસમો ચોકીદારને માર મારી લુંટ કરી ગયાની હકિક્ત જણાવેલ.ફરિયાદના અનુસંધાને આરોપી મયુર રૂપારેલીયાની ધરપકડ કરેલ અને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરેલ અને ઉપરોક્ત કેમેરા બીલ્ડર કમલેશ રામાણીની ઓફીસમાંથી કબ્જે કરેલ અને રિમાન્ડ પૂર્ણ થતા આરોપી મયુરને કોર્ટમાં રજુ કરેલ અને તે વખતે આરોપી મયુરે તેમના વકીલ મારફત અદાલતમાં એક લેખીત ફરિયાદ આપેલ અને જણાવેલ કે, પોલીસે બળજબરીથી અને માર મારવાની ધમકી આપી બીલ્ડર કમલેશ રામાણી તથા ભુપત ભરવાડનું નામ લખી આપવાનુ જણાવેલ.ઉપરોક્ત વીગતો આવતા પોલીસે કાવત્રાની કલમોનો ઉમેરો કરી જમીન માલીક દીલીપભાઈ મક્વાણા, બીલ્ડર કમલેશ રામાણી, ભુપત ભરવાડ વીગેરેનુ કાવત્રામાં સામેલ હોવાનો કેસ ઉભો કરેલ.ઉપરોક્ત વીગતે બીલ્ડર કમલેશ રામાણીનુ નામ ખુલતા તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં ક્રિમી. પ્રોસી. કોડની કલમ – 482 હેઠળ કોશીગ પીટીશન કરેલ અને રજુઆત કરેલ કે, વાદગ્રસ્ત જમીન સાથે અમારે કોઈ લેવાદેવા નથી અમારૂ જમીનમાં કોઈ હીત નથી, જમીન માલીક તેમજ ફરિયાદી વચ્ચે સીવીલ મેટર ચાલુ છે અને લુંટની ખોટી ફરિયાદ લઈ જમીનનું સેટલમેન્ટ કરાવવા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે.વધુમાં અરજદારે દસ્તાવેજી પુરાવાઓ સાથે એવી રજુઆત કરેલ કે, અરજદારના કુટુંબીજનોના નામે વીરાણી સ્કુલનુ ટ્રસ્ટ ચાલુ છે તેમાં પી.આઈ.ના પુત્રએ કેન્ટીન બનાવવા માટે અરજી કરેલી જે અરજી નામંજુર કરેલી જેનો ખાર રાખી બી ડીવીઝનના પી.આઈ.એ બદલો લેવાની ભાવનાથી કાર્યવાહી કરી રહયા છે.આ કેસમાં અગાઉ જમીન માલીક દીલીપભાઈ મક્વાણાની અરજીમાં બી ડીવીઝનની શંકાસ્પદ વર્તણુક જોતા તાત્કાલીક અસરથી પી.એસ.આઈ. કે.ડી.મારૂની બીનસંવેદનશીલ જગ્યાએ ટ્રાન્સફર કરવાનો હુકમ કરેલ છે અને જમીનના માલીકની ધરપકડ સામે પણ મનાઈ હુકમ આપેલ છે.ઉપરોક્ત હકિક્ત તેમજ રજુ થયેલ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે કમલેશ રામાણીની ધરપકડ સામે મનાઈ હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં આરોપી બીલ્ડર કમલેશ રામાણી વતી હાઈકોર્ટમાં સીનીયર એડવોકેટ નીરૂપમભાઈ નાણાવટી, આશીષભાઈ ડગલી, રાજકોટના એડવોકેટ પીયુષ એમ઼ શાહ, અશ્વીન ગોસાઈ, નીવીદ પારેખ, નીતેશ કથીરીયા, જીતેન્દ્ર ધુળકોટીયા, વીજય પટગીર, હર્ષીલ શાહ, ચીરાગ શાહ અને આસીસ્ટન્ટ તરીકે રવીરાજભાઈ વાળા રોકાયેલા હતા.

રિલેટેડ ન્યૂઝ