ગોંડલમાં પાકિસ્તાની શરણાર્થીઓનું સ્વાગત

ગોંડલ, તા.27
ગોંડલના જેતપુર રોડ પર આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં પાકિસ્તાન છોડી આવેલો બાર વ્યકિતઓનો પરિવાર જીવન નિર્વાહ કરી રહ્યો છે, આ શરણાર્થી પરિવારને ગોંડલ ભાજપ પરિવારે ઉષ્માભેર આવકારી રાજકોટ ખાતે સન્માનીત કરતા પાકિસ્તાની પરિવારના આંખો સાથે અવાચક બન્યો હતો.
ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા તે પહેલાથી પાકિસ્તાનના સોઢા રાજપૂત દરબાર પરિવાર લગ્ન વ્યવહાર માટે કચ્છ જાડેજા પરિવાર સાથે સંબંધો ધરાવવા માટે જાણીતા છે, હાલ ગોંડલમાં જીવન નિર્વાહ કરતા મહાવીરસિંહ ભમરસિંહ સોઢા (ઉ.વ. 33) 12 વર્ષ પહેલા પોતાનું માદરે વતન પાકિસ્તાનનું પાબૃહર ગામ છોડી ગોંડલને કર્મભૂમિ બનાવી હતી અને તેઓના લગ્ન પણ સાણંદ ખાતે થતા ત્રણ વર્ષ પહેલા જ તેમને ભારતનું નાગરિકત્વ મળી જવા પામ્યું હતું.
વર્તમાન સમયે પાકિસ્તાનમાં અલ્પસંખ્યક બની રહેલ સમુદાય ઉપર દિવસેને દિવસે સંકટના વાદળો ઘેરાઇ રહ્યા હોય, મહાવીરસિંહ સોઢા દ્વારા આઠ વર્ષ પહેલા મોટાભાઇ મહાસિંગ અને નંદનસિંગને પરિવાર સાથે ગોંડલ તેડાવી લીધો હતો, આ શરણાર્થી 12 હિન્દુ પરિવારજનોને સ્થાનિક ભાજપીઓ દ્વારા ઉસ્મારૂપી ભેટ આપવામાં આવી હતી અને ગુરુવારના રોજ રાજકોટ ખાતે યોજાયેલ સીએએ જાગૃતિ અભિયાનમાં આ શરણાર્થી પરિવારને લઇ જઇ સન્માનિત કરવામાં આવ્યા હતા, આ તકે ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, બાંધકામ શાખા ચેરમેન કૌશિકભાઇ પડાળીયા, નાગરિક બેંકના ચેરમેન જયંતિભાઇ ઢોલ તેમજ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અને નાગરિકત્વ મેળવવામાં બાકી રહેલ સોઢા પરિવારને વહેલામાં વહેલી તકે નાગરિત્વ મળે તે માટેના કાર્યો શરુ કર્યા હતાં.
મહાવીરસિંહ ભમરસિંહ સોઢાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનો અમે સહૃદય આભાર વ્યકત કરીએ છીએ શરણાર્થીઓની મનોવ્યથા શું હોય છે અને નાગરિકત્વની જરુરીયાત કેટલી જરુરી છે તે વડાપ્રધાન મોદી અને અમિત શાહે ગંભીરતાથી વિચાર્યું છે સીએએ ખુબ જરુરી છે અને અમે તેનું સ્વાગત કરીએ છીએ.

રિલેટેડ ન્યૂઝ