સુરતથી ઠગાઇ કરી બે કાર રાજકોટ લાવી ફેરવતા બે શખ્સો ઝડપાયા

રાજકોટ તા.27
રાજકોટ શહેરમાં વાહનચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે યુનિવર્સીટી પોલીસે સુરતથી બે કાર ભાડે લાવી છેતરપિંડી કરી રાજકોટમાં ફેરવતા બે શખ્સોને 24 લાખની બે કાર સાથે ઝડપી લઇ વરાછા પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
વાહનચોરીના ગુનાઓ નાબૂદ કરવા અને અનડિટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી યુનિવર્સીટી પીઆઇ આર એસ ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ વી રબારી, રાજેશભાઈ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, જેન્તીગીરી ગોસ્વામી, પુષ્પરાજસિંહ જાડેજા, મુકેશભાઈ ડાંગર, નિર્મળસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન રૈયા રોડ વિક્રમ માર્બલ પાસેથી કાર સાથે નીકળેલા બે શખ્સોને અટકાવી કારના ડોક્યમેન્ટ માંગતા ગલ્લાંતલ્લાં કરતા નંબર આધારે તપાસ કરતા આ
કાર ઉપરાંત અન્ય એક કાર અંગે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હોય તેવું જાણવા મળતા બંનેના નામઠામ પૂછતાં ચોટીલાનો ગૌતમગીરી ઘનશ્યામગીરી ગોસાઈ અને રાજકોટની કોઠારીયા ચોકડીએ રહેતો રવીગીરી ઉર્ફે કરણગીરી ભુપેન્દ્રગીરી ગોસાઈ હોવાનું જણાવતા બંનેની ધરપકડ કરી હતી અને બંને પાસેથી ટાટા હેકસા અને સિયાઝ એમ 24 લાખની બંને કાર કબ્જે કરી હતી બંને ભાડેથી સુરતથી ગાડી લાવી ભાડું નહિ ચૂકવી ફેરવતા હતા ચોટીલાનો ગૌતમગીરી અગાઉ બોટાદમાં ગાડીચોરીમાં અને રવીગીરી મોરબીમાં છેતરપિંડીમાં, રાજકોટ ડીસીબીમાં જુગારમાં, મોરબી એ ડિવિઝનમાં દારૂ અને જુગારમાં કેસોમાં પકડાઈ ચુક્યો છે.

રિલેટેડ ન્યૂઝ