ભારે કરી! રાજકોટમાં પાણીના બદલે ગટરની

રાજકોટ તા.27
રાજકોટ શહેરમાં કરોળીયાના ઝાળાની માફક ભૂગર્ભમાં પથરાયેલ પીવાના પાણીની જુની પાઇપલાઇન તુટી જવાની ઘટનાઓ વારંવાર ઘટતી હોય છે. જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થતો હોય છે પરંતુ ડ્રેનેજની લાઇન લીકેજ થાય ત્યારે ગટરનું ગંધાતુ પાણી વિસ્તારોમાં વહેવા લાગતા દુર્ગંધ વ્યાપી જતી હોય છે અને રોગચાળાનો ભય ઉભો થતો હોય છે. છતા આજે પણ અનેક લાઇનો ડ્રેનેજની જર્જરીત હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. વોર્ડ નં.3 માં આજરોજ એસટીપીની મુખ્ય ડ્રેનેજની લાઇનમાં ભંગાણ થતા ગટરના ગંધાતા પાણી રોડ ઉપર વહેતા થયા બાદ સેંકડો ઘરોમાં ઘુસી જતા કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ સ્થળ ઉપર પહોંચી તંત્રને દોડતું કર્યુ હતું.
વોર્ડ નં.3 માં રેલનગરમાંથી પસાર થતી એસટીપી માધાપરની ડ્રેનેજની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા ભારે પ્રવાહમાં ગટરના પાણી રોડ ઉપર વહેતા થયા હતા. પાણીનો વેગ વધુ પડતો હોવાથી ગટરના પાણી ઋષિકેશ પાર્ક, રામ પાર્ક, નાથદ્વારા સહિતની 20 થી વધુ સોસાયટીઓમાં ઘરોમાં ઘુસી જતા દેકારો બોલી ગયો હતો. વહેલી સવારે ગટરના પાણી ઘરમાં પ્રવેશતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. તેની જાણ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાને થતા તેમણે વોર્ડ ઇજનેર અને સીટી ઇજનેર સહિતનાઓને ફોન કર્યો હતો પરંતુ અધિકારીઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી અને નાતાલનું વેકેશન માણવાના મુડમાં હોય લાગી રહ્યું હતું. આથી ગાયત્રીબાએ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ તેમજ કમિશ્નર સહિતનાઓને આ બનાવનો વિડીયો તેમજ ફોટા મોકલતા તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું.
વોર્ડ નં.3માં એસટીપીની ડ્રેનેજની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાતા ગટરના ગંધાતા પાણી રોડ ઉપર વહ્યા બાદ લોકોના ઘરોમાં ઘુસી ગયા હતા તેમજ ભરશિયાળે ચોમાસાનું વાતાવરણ સર્જાયું હોય તેમ રોડ ઉપર નદીઓ વહેતી થઇ હતી. ડ્રેનેજના પાણી ઘરોમાં ઘુસ્યા બાદ ગંદકી અને ભારે દુર્ગંધ ઉઠવા પામતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. વહેલી સવારે ઘટના ઘટી હોવાથી કોર્પોરેશનના સીટી ઇજનેર તેમજ ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ ઘરે આરામમાં હોય એકપણ અધિકારીઓનો સંપર્ક થઇ શકયો ન હતો. પાણીનો વેગ ફોર્સથી હોવાના કારણે એક કલાકના સમયમાં ડે્રેનેજના પાણી 20 થી વધુ સોસાયટી તેમજ મુખ્ય માર્ગો ઉપર ફરી વળતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો હતો અને લોકોએ સીવીક સેન્ટર ખાતે ફરીયાદો મારો ચલાવ્યો હતો પરંતુ સવારનો સમય હોવાથી રીપેરીંગ કામ માટે એકપણ અધિકારી સ્થળ ઉપર ન ફરકતા અંતે ગાયત્રીબા વાઘેલાએ ઉપરોક્ત સ્થળનો વિડીયો તેમજ ફોટા મ્યુનિ. કમિશ્નર અને અન્ય અધિકારીઓને મોકલતા તંત્ર હરકતમાં આવ્યું હતું.
વોર્ડ નં.3 માં ડ્રેનેજના પાણી ઘરોમાં ફરી વળ્યા બાદ ઘટનાસ્થળે પહોચેલા કોંગ્રેસના મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ પ્રથમ મ્યુનિ. કમિશ્નર સહિતનાઓને બનાવની જાણ કર્યા બાદ ઘટનાસ્થળે પહોચેલા ડ્રેનેજ વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓને તાત્કાલીક ધોરણે ભંગાણ રીપેર કરી દુર્ગંધના કારણે કોઇ જાતની મહામારી ફેલાય નહીં તે માટે દવાનો છંટકાવ કરી તાત્કાલીક યોગ્ય કરવાની તાકીદ કરી હતી.
નવેનવી એસટીપીની લાઇન તૂટી કેમ?
વોર્ડ નં.3માં માધાપર એસટીપીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયા બાદ લોકોએ પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો કે તાજેતરમાં ડ્રેનેજનું પાણી રીસાઇકલીંગ કરવા માટે એસટીપીની નવી લાઇનો નાખવામાં આવી છે. માધાપર સુધી ડ્રેનેજનું પાણી પહોંચતું કરવા માટે તાજેતરમાં નાખવામાં આવેલ નવેનવી પાઇપલાઇનમાં ભંગાણ થતા ઉપરોક્ત પાઇપલાઇન નબળી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે ત્યારે સમગ્ર લાઇન નાખવાના કોન્ટ્રાકટમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે પરીણામે આ પ્રકરણની તપાસ થવી જોઇએ તેવી પણ ચર્ચા ઉઠવા પામી છે.

રિલેટેડ ન્યૂઝ