રાજકોટ,તા.20
રાજકોટમાં પોલીસના નાઇટ પેટ્રોલીંગ વચ્ચે પણ તસ્કરો બેફામ બન્યા હોય તેમ રાજકોટમાં પેડક રોડ ઉપર આવેલા કેયુર પાર્કમાં ઇમિટેશનના ધંધાર્થી પરિવારને સુતો રાખી તસ્કરોએ રૂ.5 લાખની ચોરી કરી નાસી ગયાની પોલીસ દફતરે ફરીયાદ નોંધાઇ છે. ડોગ સ્કોડ એફએસએલ સહીતની પોલીસ ટીમે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસનો દોર લંબાવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં પેડક રોડ ઉપર આવેલા કેયુર પાર્કમાં રહેતા અને ઇમીટેશનનું કામ કરતા જયંતીભાઇ વલ્લભભાઇ સગપરીયાના રહેણાંક મકાનમાં રાત્રીના સમયે તસ્કરોએ દુકાનની ગ્રીલનું તાળુ તોડી ટેબલના ખાનામાં રાખેલ રૂ.5 લાખની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હોવાની જયંતીભાઇ સગરપીયાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામ્યો છે.
આ અંગે જયંતીભાઇ સગપરીયાની પુછતાછમાં જયંતીભાઇ સગપરીયાને બે માળનું મકાન છે અને ઉપરના માળે પરિવાર રહે છે અને નીચેના મકાનમાં ઇમીટેશનની દુકાન છે. અને તેમાં તેઓ ઇમીટેશનનું કામ કરે છે. પરિવાર રાત્રીના ઉપરના માળે રહેણાંક મકાનમાં સુઇ ગયો હતો. જે દરમિયાન રાત્રીના મોડી રાતે તસ્કરોએ પ્રવેશ કરી મકાનની નીચેના ભાગે આવેલી દુકાનની ગ્રીલનું તાળુ તોડી ઇમિટેશનના ધંધાર્થી પરિવારને સુતો રાખી ટેબલના ખાનામાં રાખેલા રૂ.5 લાખની રોકડની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. પરિવાર સવારે જાગતા ચોરી થયાની ખબર પડતા તાત્કાલીક પોલીસને જાણ કરી હતી.
બી ડીવીઝન પોલીસ ડોગ સ્કોડ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે દોડી જઇ તસ્કરોની ભાળ મેળવવા ચારેય દિશામાં તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી.જે. ફર્નાન્ડીસ સહીતના સ્ટાફે ફરીયાદના આધારે કાનુની તપાસનો દોર લંબાવ્યો છે.
