રાજકોટ તા. 28
રાજકોટના 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાનો રાજતિલક સમારોહ શરૂ થઈ ચૂક્યો છે. આજે રાજ તિલક સમારોહનો બીજો દિવસ છે. આજથી રણજીત વિલાસ પેલેસ ખાતે ત્રણ દિવસીય યજ્ઞ શરૂ થયો છે. આજે 51 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી રાજસૂય યજ્ઞ શરૂ કરાય છે. કુલ ત્રણ દિવસમાં 300 જેટલા બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી યજ્ઞમાં આહુતિ આપશે. રાજગાદી ધારણ કરતા પહેલા પરંપરાગત રીતે રાજાની ભવ્ય નગરયાત્રા નિકળી હતી. જેમાં રાજા રજવાડા અને સાધુ સંતો, મહંતો જોડયા હતા.
જેમાં ઠાકોર સાહેબ નગરજનોનું અભિવાદન ઝીલ્યું હતું. વિન્ટેજ કાર, બગી, બળદ ગાડા તેમજ ઢોલ નગારા સાથે નગરયાત્રા નીકળી હતી. યજ્ઞમાં આજ રોજ મંગળવારના દિવસે બ્રાહ્મણો દ્વારા ગણપતિ સહિત સ્થાપિત દેવતાઓનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. સાથે જ યજમાન દંપતિ માટે પુણ્ય વાચન સહિતના શ્લોકનું પઠન પણ કરવામાં આવ્યું હતું.
શાસ્ત્રીજી કૌશિકભાઇ ત્રિવેદીની અધ્યક્ષતામાં મંગળવારે સવારે 9 વાગે રણજીત વિલાસ પેલેસમાં રાજસુય યજ્ઞનો અરણી મંથન અને અગ્નિ સ્થાપન દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞ ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં 300 બ્રાહ્મણો આહુતિ આપશે. યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે માંધાતાસિંહ અને તેમના પત્ની કાદમ્બરીદેવી છે. રાજસુય યજ્ઞ માટે ખાસ શ્રીધર યજ્ઞશાળા બનાવવામાં આવી છે. તેનું મહત્વ મહાભારત વખતથી ચાલ્યું આવે છે.
શ્રીધર યજ્ઞશાળાનું નિર્માણ કરવાનું ખુદ કૃષ્ણે પાંડવોને સૂચવ્યું હતું. શ્રીધર યજ્ઞશાળાનો આકાર કમલાકાર હોય છે. કમળની 18 પાંખડીની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે.
શ્રીધર યજ્ઞશાળાના મુખ્ય સ્થાપનને સર્વતો ભદ્ર મંડલ તરીકે ઓળખવામાં આવે છે. યજ્ઞશાળામાં સામવેદ યજુર્વેદ અથર્વવેદ અને ઋગ્વેદનું સ્થાપન કરવામાં આવ્યું છે.
શ્રીધર શબ્દ મુખ્યત્વે બે શબ્દોનો બનેલો છે. જેમાં એક શ્રી અને બીજો ધર. શ્રીનો અર્થ થાય છે લક્ષ્મી, ધરનો અર્થ થાય છે ધારણ કરનાર. આમ લક્ષ્મીને ધારણ કરનાર એવા ભગવાન વિષ્ણુના પ્રતિક રૂપે શ્રીધર યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે આજથી રણજીત વિલાસ પેલેસ ખાતે હોમ-હવન અને યજ્ઞાદિ ધર્મકાર્યોની પવિત્રતા સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવશે.આ પ્રકારની યજ્ઞાશાળા ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને નિર્માણ કરવા સૂચવ્યું હતું, જેનું અહીંયા પુનરાવર્તન થયું છે. મહાભારત કાળમાં પાંડવોએ જ્યારે ઈન્દ્રપ્રસ્થનગરની રચના કરી ત્યારે ભગવાને તેમની પાસે જે યજ્ઞ કરાવ્યો તે જગકલ્યાણ યજ્ઞ હતો.
રાજકોટના રાજવી પરિવારના આંગણે જ નહીં પરંતુ સમગ્ર રાજકોટવાસીઓ માટે રૂડો પ્રસંગ આવ્યો છે. 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારોહનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે રાજકોટ નહીં ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય તેવો વિશ્વ વિક્રમ યોજાયો છે. રાજતિલક સમારોહમાં ક્ષત્રિય સમાજની 2126 દીકરાઓએ પરંપરાગત પોષાકમાં કાલાવડ રોડ પર આવેલા ડ્રાઇવિન સિનેમાના ગ્રાઉન્ડમાં તલવાર રાસ લીધો હતો. આ તમામ દીકરીઓએ 9 મિનિટ અને 49 સેક્ધડ સુધી સતત તલવાર રાસ લઇ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
સાંજે 4 વાગ્યે નિકળેલી નગરયાત્રા શોભાયાત્રામાં 30 વિન્ટેકાર, 1 ઘોડાવાળી બગી સમેત 8 રાજવામાં ઉયોગમાં લેવાતી બગીઓને ઉંટ તેમજ બળદગાડા અને સૌથી આગળ ઐરાવત (હાથી) રાખવામાં આવ્યો હતો. 10 જેટલી બેન્ડવાજા પાર્ટીઓએ પ્રસંગ અને રસ્તાઓ સુરથી ભરી દીધા હતા.
પેલેસથી શરૂ થયેલ શોભાયાત્રા કેનાલ રોડ, યાજ્ઞિક રોડ, સદરમાં થઇ સાંગણવા ચોક પહોંચતા શ્રી માંધાતાસિંહએ શ્રી લાખાજીરાજનાં સ્ટેચ્યુનું પુજન કર્યુ હતું. પુષ્પાંજલી આપી હતી.
રસ્તામાં છેક સુધી લોકોની કતાર જોવા મળી હતી. રાજાનું લોકો સંસ્થાઓ સ્વાગત કર્યુ હતું.
