જામકંડોકરણા તા. 2
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય આયોજિત 156 નવદંપતીના છઠ્ઠા શાહી સમૂહ લગ્નમાં પ્રભુતા માં પગલાં માંડનાર નવદંપતીઓને શુભકામના અને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે સમૂહ લગ્ન થી સમાનતાનો ભાવ નિર્માણ થાય છે. આજના સમયમાં લગ્નના કરિયાવર સહિતની પરિવારની ચિંતા ઓછી થાય છે. સમૂહ લગ્નથી સામાજિક એકતા અને સૌ સાથે મળીને પ્રસંગ ઊજવે એટલે એનો પારિવારિક અનેરો આનંદ પણ હોય છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું .
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે લગ્ન એ ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર બંધન છે. લગ્ન એ બે આત્માનુ માત્ર મિલન નથી પરંતુ બે કુટુંબનું પણ મિલન છે. મુખ્યમંત્રીશ્રીએ લગ્નમાં સાત ભવના ફેરા ફરવામાં આવતા હોય છે તેમ જણાવીને આપણા પૂર્વજો ઋષિ-મુનિઓએ બતાવેલી લગ્ન સંસ્કારની આ પરંપરા એક બીજાના સુખે સુખી અને એક બીજાના દુ:ખે દુ:ખી રહેવાની પ્રતિબદ્ધતાનુ પણ પ્રતિબિંબ પાડે છે તે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ સૌનુ લગ્નજીવન સુખી રહે તેવા આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે ધર્મપત્ની પતિને આદર આપે અને પતિ પત્નીને પ્રેમ આપે તો સંસાર સુખી થવાની સાથે સાત ભવ સુખી થતાં હોય છે તેમ પણ જણાવ્યું હતું .
મુખ્યમંત્રીએ લોક સેવક સ્વ .વિઠ્ઠલભાઈ રાદડિયા ના સામાજિક કાર્યો અને પ્રજાની વચ્ચે જઈને તેમણે કરેલા પ્રજાના કામો નો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે તેઓ સમાજની દીકરીઓ ભણે અને આગળ વધે ,સમાજની પ્રગતિ થાય, અને સૌ સામાજિક પ્રસંગો સારી રીતે ઉજવી શકે તે માટે સમૂહ ભાવના થી નાનપણથી જ તેઓ એ કામ કર્યા છે .એમની પ્રેરણાથી સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજની સંસ્થાઓએ સામાજિક અને શૈક્ષણિક કાર્યો કર્યા છે અને તેઓ ખુદ પણ શિક્ષણ સેવા અને ખેડૂતોના કાર્યો માટે સતત કામ કરતા હતા .સમાજસેવાના આજ માર્ગે તેમના પુત્ર શ્રી જયેશભાઇ રાદડીયા પણ સેવાકાર્ય કરી રહ્યા છે અને જેને લીધે આજે આટલી મોટી વિશાળ સંખ્યામાં મહેમાનો અને સૌ કોઈ ભેગા થઈને સફળતાપૂર્વક સમૂહ લગ્ન નું આયોજન થયું છે તે અંગે તેઓએ શ્રી જયેશભાઇ રાદડીયા તેમજ દાતાઓ અને સમૂહ લગ્ન સમિતિ માં જોડાયેલા સૌને શુભકામના પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની કુવરબાઈનુ મામેરુ તેમજ લગ્નની જાનમાં સસ્તા દરે એસટી ની વ્યવસ્થા કરી આપવાની સરકારની યોજના સહિતની સામાજિક સેવાની યોજનાની ફળશ્રુતિ કહી હતી .
આ પ્રસંગે પ્રસંગે કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ યે જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈ રાદડીયાએ ખેડૂતો માટે તેમજ સૌ સમાજના વિકાસ માટે અનેક કામો કર્યા છે અને આજે જયેશભાઈ એ પણ સુંદર રીતે સૌના સહકારથી આ વિરાટ કાર્ય કહ્યું તેમ જણાવીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઉદાર મનથી ખેડૂતો માટે કામ કરી રહ્યા છે તેની વિગતો આપી હતી . કમોસમી માવઠા માં મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે તે માટે ઉદારતા દાખવીને ભામાશા જેવી વિચારધારાથી કામ કરી પૂરતું ભંડોળ ફાળવ્યું હતું તેમ પણ મંત્રીશ્રી ફળદુએ જણાવ્યું હતું .
આ પ્રસંગે વિઠ્ઠલભાઈ રાદડિયા ના સામાજિક કાર્યો રજૂ કરતી ફિલ્મ નુ નિદર્શન કરવામાં આવ્યું હતું .સમૂહ લગ્નના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિઠ્ઠલભાઈ ના પિતાશ્રી શ્રી હંસરાજભાઇ રાદડીયા નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ડેરીના ચેરમેન શ્રી ગોવિંદભાઈ રાણપરીયા એ શાબ્દિક સ્વાગત કર્યું હતું.
