રાજકોટ તા,11
વોકહાર્ટ હોસ્પિટલમાં પૂ.હરિચરણદાસબાપુના થાપાનું ઓપરેશન કરાયા બાદ આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. આજે બપોરે પૂ.હરિચરણદાસબાપુની તબીયત સ્વચ્છ થતા જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને સાંજે ભકતોને લાઈવ દર્શન આપતા તેમના અનુયાયીઓમાં આનંદ અને રાહત જોવા મળી હતી.
ગત અઠવાડિયે અયોધ્યામાં પડી જતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પ્રાઈવેટ ચાર્ટર પ્લેન દ્વારા રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવ્યો હતો. વોકહાર્ટ હોસ્પિટલમાં ડો.શ્યામ ગોહિલ, ડો.હિરેન માત્રાવાડિયા અને ડો.ચિરાગની પેનલ દ્વારા પૂ.હરિચરણદાસબાપુના થાપાનું ઓપરેશન કરવામાં આવ્યુ હતું. ઓપરેશન બાદ ત્રણ દિવસ સુધી પૂ.હરિચરણદાસબાપુને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર આપવામાં આવતી હતી.
મળતી વિગત મુજબ આજે ત્રણ દિવસ બાદ પૂ.હરિચરણદાસબાપુની તબિયત સ્વસ્થ થતા તેમને જનરલ વોર્ડમાં સારવારમાં રાખવામાં આવ્યા છે. આજે પૂ.હરિચરણદાસબાપુએ વોકહાર્ટ હોસ્પિટલની ટીવી સ્ક્રિન પર ઓનલાઈન દર્શન આપ્યા હતા. પૂ.બાપુના દર્શન કરવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી અનુયાયીઓ ઉમટી પડ્યા હતા અને વોકહાર્ટ હોસ્પિટલમાં ભકતોની ભીડ જોવા મળી હતી. પૂ.હરિચરણદાસબાપુની તબિયત સુધારા ઉપર આવતા ભકતોમાં આનંદની લાગણી સાથે રાહત પણ જોવા મળી રહી છે.
