રાજકોટ-મોરબીમાં મધરાત્રે ત્રાટકી લુંટ-ચોરીને અંજામ આપતી ત્રીપુટી ઝડપાઈ: ગુનાની કબુલાત

રાજકોટ તા.12
રાજકોટ અને મોરબી પંથકમાં હાઇવે ઉપર છેલ્લા ઘણા સમયથી લૂંટની ઘટનાઓને અંજામ આપતી ટોળકી સક્રિય થઇ હતી પોલીસને પડકાર ફેંકી બેખૌફ બાઈને ગુનાઓને અંજામ આપતી આ ટોળકીને ઝડપી પાડવામાં અંતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે રાજકોટ અને મોરબીમાં હત્યાની કોશિષ, ચોરી, લૂંટ જેવા 17 ગુનાઓને અંજામ આપનાર પિતા-પુત્ર સહિતની ત્રિપુટીને ઝડપી લઇ ગણેશીયો, કટર, તણી, મોબાઈલ સહીત 1,06,000નો મુદામાલ કબ્જે કર્યો છે.
રાજકોટ-મોરબી રોડ ઉપર તાજેતરમાં જ મંદિરમાં ઘુસી મહંતને માર મારી લૂંટ કરવી, કુવાડવા રોડ ઉપર શોરૂમમાંથી ચોરી અને કાગડદી પાસે વાડીમાં ઘુસી પ્રૌઢ ઉપર જીવલેણ હુમલો કરવા સહિતના ગુનાઓ આચરનાર ટોળકી પોલીસ માટે માથાના દુખાવારૂપ બની ગઈ હોય જેને પકડી પાડવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુર્શીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી ડીસીબી પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી એમ ધાખડા અને તેની ટિમ પેટ્રોલીંગમાં હતી.
દરમિયાન કુલદીપસિંહ જાડેજા, નગીનભાઈ ડાંગર અને હિરેનભાઈ આહીરને મળેલી સચોટ બાતમી આધારે મયુરભાઈ પટેલ, યુવરાજસિંહ ઝાલા, પ્રદીપસિંહ જાડેજા, અમિતભાઇ અગ્રાવત, સંજયભાઈ રૂપાપરા અને વિરેન્દ્રસિંહ ઝાલાને સાથે રાખીને મોરબી રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ પાસે વોચ ગોઠવી ગુનાઓમાં સંડોવાયેલા કુવાડવા રોડ ઉપર ટ્રાન્સપોર્ટનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ભંગારની ફેરી કરતા અજિત ભીખાભાઇ જાખણીયા તેના પિતા ભીખાભાઇ નાનજીભાઈ જાખણીયા અને ગોપાલ જેસાભાઇ સાડમીયાને ઝડપી લઇ આગવીઢબે પૂછપરછ કરતા ત્રણેય ભાંગી પડ્યા હતા અને પોતે આચરેલા ગુનાઓનો હિસાબ-કિતાબ પોલીસ સમક્ષ વર્ણવ્યો હતો આ ગુનાઓમાં અજિતનો ભાઈ અશોક જે ફરાર હોય તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓ પાસેથી એક અતુલ રીક્ષા, ગણેશીયો, 2 કટર, લોખંડની તણી, 3 મોબાઈલ સહીત 1,06,000 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો આ ચારેય આરોપીઓ દિવસના ભંગારની ફેરી કરતા અને તેની સાથે જ રેકી કરીને રાત્રે ક્યાં ત્રાટકવું તે નક્કી કરી લીધા બાદ રાત્રીના સમયે માથે ચાદર ઓઢી તેમજ રૂમાલ બાંધી ગુનાને અંજામ આપવા નીકળી પડતા હતા સફળ કામગીરી બદલ ડીસીબીની ટીમને 15 હજાર રૂપિયાનું ઇનામ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ