તમે ટ્રાફિકવાળા હવે નોકરી કઈ રીતે કરો છો તે હું જોઈ લઈશ’ કહી ધમકી આપ્યાની ફરિયાદ
રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા કે.કે.વી. હોલ નજીક નો-પાર્કિંગની જગ્યાએ અડચણરૂપ રીતે કાર પાર્ક કરનાર એક ચાલકે ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલની ફરજમાં રૂકાવટ કરીને લોક તોડી નાખ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ટ્રાફિક જવાનને ધમકી આપીને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ માલવિયાનગર પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ સિધ્ધરાજસિંહ વાળાએ પોલીસને આપેલી માહિતી મુજબ, તેઓ સવારે 9 થી 1 દરમિયાન ટ્રાફિકની ખાનગી ક્રેન નંબર-1માં ડ્રાઈવર આનંદ રાઠોડ અને હેલ્પર અભય બાબરીયા સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન કાલાવડ રોડ પર કે.કે.વી. હોલ પાસે એક કાર (નંબરનો ઉલ્લેખ નથી) ટ્રાફિકને અડચણરૂપ ઊભેલી જોવા મળી હતી. આથી, હેડ કોન્સ્ટેબલે હેલ્પરને કારના આગળના વ્હીલમાં ટ્રાફિક શાખાનું લોક મારવાનું કહ્યું હતું. હેલ્પરે લોક માર્યું કે તરત જ ગાડીના માલિક નિમેષ ભંડેરી (રહે. કીરણનગર, હરીધવા રોડ) ત્યાં આવી પહોંચ્યા હતા અને હેલ્પર સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી.
હેડ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ ગાડીમાંથી નીચે ઉતરીને કાર માલિક નિમેષ ભંડેરીને નો-પાર્કિંગનો દંડ ભરવા માટે ઇન્ચાર્જ પાસે જવાનું કહેતા તેઓ વધુ ઉશ્કેરાયા હતા. નિમેષ ભંડેરીએ હેડ કોન્સ્ટેબલને ગાળો આપી હતી અને સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપતા કહ્યું હતું કે, “તમે ટ્રાફિકવાળા હવે નોકરી કઈ રીતે કરો છો તે હું જોઈ લઈશ.” આટલું જ નહીં, દંડ ભરવાની ચોખ્ખી ના પાડીને ભંડેરીએ ગુસ્સામાં આવી નજીકમાં પડેલા એક પથ્થર વડે કારમાં લગાવેલું ટ્રાફિક શાખાનું લોક તોડી નાખ્યું હતું. ટ્રાફિકના લોકને નુકસાન પહોંચાડવા અને ફરજમાં રૂકાવટ કરવા બદલ ટ્રાફિક જવાનોએ તાત્કાલિક ક્રેન મારફતે કારને ટોઇંગ કરીને શીતલપાર્ક ટોઇંગ સ્ટેશને મૂકી દીધી હતી. બાદમાં કારના માલિક નિમેષ ભંડેરીએ ટોઇંગ સ્ટેશન પર આવી નો-પાર્કિંગ અને ટોઇંગ ચાર્જ પેટે કુલ રૂ. 1000નો દંડ ભર્યો હતો અને પોતાની કાર લઈ રવાના થયા હતા. સમગ્ર મામલે હેડ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ વાળાએ નિમેષ ભંડેરી વિરુદ્ધ માલવિયાનગર પોલીસ મથકમાં સરકારી ફરજમાં રૂકાવટ કરવા અને લોક તોડી નાખવા બદલ ગુનો નોંધાવ્યો છે. માલવિયાનગર એએસઆઇ એચ. ટી. પરમારે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
