વોર્ડ નં.13માં વધુ એકવાર પાઇપ લાઇનમાં ભંગાણ: લાખો લીટર પાણીનો વેડફાટ

નવી ડીઆઇ પાઇપલાઇન એકટીવ થઇ જવા છતા જુની લાઇન બંધ ન કરાતા ચોથી વખત ગાબડું પડયું: અધિકારીઓની બેદરકારી છતી

સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.13માં માલવીયા કોલેજ પાછળના માલવીયાનગર, પંચશીલ સ્કુલ પાસેના રોડ ઉપર ગઇકાલે રાત્રે વધુ એક વખત પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણી વેડફાઇ ગયું હતું. આ વોર્ડમાં પણ અન્ય વિસ્તારોની જેમ કરોડોના ખર્ચે ડીઆઇ પાઇપલાઇન પાથરવામાં આવી છે. છતાં જુની લાઇન કાપવામાં આવતી ન હોય, આટલા પાણીનો બગાડ થયાનો આક્રોશ ખુદ ભાજપના વોર્ડના કોર્પોરેટર નીતિન રામાણીએ વ્યકત કર્યો હતો. તો મોડી રાત સુધી સ્થળ પર ઉભા રહીને તેઓએ લાઇન રીપેરીંગનું કામ પુરૂ કરાવ્યું હતું.
વોર્ડના અધિકારીને એક મહિનાથી જાણ કરી હોવા છતાં જુની લાઇનમાંથી પાણી બંધ કરાતું નથી. અગાઉ પણ ડીઆઇ પાઇપલાઇનમાં લીકેજ થવા છતાં વોર્ડના ઇજનેર સ્થળ પર આવતા નહીં હોવાની ફરિયાદ તેમણે અગાઉ પણ કરી હતી તે ઉલ્લેખનીય છે. તો વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે રોલર ચાલતા ડ્રેનેજનો મેન હોલ પણ નુકસાનગ્રસ્ત બન્યાનું જણાવ્યું છે.
5ંચશીલ સ્કુલના રસ્તા પર આ વિસ્તારમાં વર્ષોથી રહેલી જુની 300 એમએમની પાઇપલાઇન પડી છે. હવે તો નવી પાઇપલાઇનમાંથી પાણી વિતરણ થાય છે. કરોડોના ખર્ચે આ નવી લાઇન પાથરવામાં આવી છે. પરંતુ જુની લાઇન હજુ બંધ કરવામાં આવતી ન હોય, ટાંકામાંથી નીકળતું પાણી જુની લાઇનમાં ફુલ થાય છે. અગાઉ બે ત્રણ વખત અને ગઇકાલે રાત્રે ફરી આ લાઇન લીક થઇ હતી. રાત્રે કોર્પોરેટરે જાણ કરવા છતાં ફરી મોડે સુધી અધિકારીઓએ સ્થળ પર ફરકયા ન હતા. અધિકારીને જાણ કરવા છતાં સ્થળ પર તુરંત આવતા નહીં હોવાની ફરિયાદ અગાઉ પણ નગરસેવકે કરી હતી. વારંવાર થતા લીકેજ રોકવા આ લાઇન બંધ કરવાની રજુઆત તેઓ અગાઉ પણ કરી ચુકયા છે. માલવીયાનગર મેઇન રોડથી નીકળેલું પાણી છેક માલવીયા કોલેજ સુધી પહોંચ્યુ હતું અને 4 થી પ લાખ લીટર પાણીનો બગાડ લોકોએ જોયો હતો.
આ અંગે હવે તુરંત લાઇન બંધ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ રોડ પર ડામર કામ પણ ચાલી રહ્યું છે. દરમ્યાન પૂર્વ કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જણાવ્યું હતું કે, વોર્ડ 13માં અવારનવાર ડીઆઇ પાઈપમાં ભંગાણ એ નવી વાત નથી. પણ ગઈ કાલે રાત્રે મોટી લાઇનમાં ભંગાણ થયું હતું. ડામર રોલર ચાલવાના કારણે ભંગાણ થયું છે.

રિલેટેડ ન્યૂઝ