છાત્રોની રેડ રિબિન બની : નગરજનો જોડાયા: એઈડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા આયોજન
1લી ડિસેમ્બર વિશ્ર્વ એઈડ્સ દિવસ નિમિત્તે છેલ્લા 38 વર્ષથી સક્રિય કામગીરી કરતી એઇડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા શાળા કોલેજ અને સમાજમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં એક લાખથી વધુ છાત્રો અને નગરજનોને જોડવામાં આવ્યા હતા. ગઈકાલે રેસકોર્સ રીંગરોડ પ્રોજેક્ટ લાઈફ સેન્ટરથી 500 લાલ કલરના ફુગ્ગાની વિશાળ લાલ રેડ રિબન હવામાં તરતી મૂકીને ‘એન્ડ એઈડ્સ 2030’ ના વૈશ્ર્વિક સંકલ્પના ભાગરૂૂપે એઇડ્સને ટાટા.. બાય .. બાય કહેવામાં આવ્યું હતું. રેડ રીબીન લાઈફના મિતલ કોટિચા શાહ અને ચેરમેન અરુણ દવેના વરદ હસ્તે ઉડાડવામાં આવી હતી. આજે સવારે જી.શેઠ વિદ્યાલય કાલાવડ રોડ ખાતે 500 વિદ્યાર્થીઓની વિશાળ રેડ રિબન બનાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આચાર્ય ડો. ભાવેશભાઈ દવે, સતીશ તેરૈયા, કવિતાબેન ઠાકર, સંજયભાઈ રાઠોડ સહિત સ્ટાફના માર્ગદર્શન હેઠળ છાત્રોને એચ.આઇ.વી. એઈડ્સ વિષયક માહિતી પણ આપવામાં આવી હતી . જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે ભાવિ શિક્ષકો માટે ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100 ભાવિ શિક્ષકો જોડાયા હતા. શહેરની પંચશીલ સ્કૂલ ખાતે 500 કેન્ડલ લાઈટની ઝગમગતી રેડ રીબન બનાવીને છાત્રોએ એઈડ્સ જનજાગૃતિ પ્રસરાવી હતી. જેમાં શાળાના સંચાલક ડી.કે. વાડોદરિયાનો સહયોગ મળ્યો હતો.
