માતા યશોદા બનીને બાળકોના વિકાસના કાર્યમાં જોડાવાની તક મેળવતી બહેનોને શુભેચ્છાઓ આપતા મંત્રી સોલંકી
મુખ્યમંત્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું
આંગણવાડી બહેનોને નિમણૂકપત્રો આપવાના રાજ્યવ્યાપી કાર્યક્રમની શૃંખલા અન્વથે રાજકોટ ખાતે યોજાયેલા ઝોન કક્ષાના કાર્યક્રમમાં 2336 આંગણવાડી બહેનોને અને અને નાગરિક પુરવઠો તથા ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા આમંત્રિતોના હસ્તે નિમણૂકપત્રો એનાયત કરાયા હતા. નિમણૂક મેળવનાર તમામ બહેનોને શુભકામનાઓ પાઠવતાં મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે નિમણૂક મેળવનાર તમામ બહેનોએ માતા યશોદા બનીને ગુજરાતના બાળકોના વિકાસ માટેના સૌથી મહત્વના કાર્યમાં જોડાવાનું છે. આજે 9 હજાર બહેનો આખા ગુજરાતમાં અને 2300 થી વધુ બહેનો સૌરાષ્ટ્ર ઝોનમાં સેવામાં જોડાઈ રહી છે, તે ખુબ જ આનંદની વાત છે. આ તમામ બહેનોની ભરતી પ્રકીયા તેમની લાયકાતને ધ્યાને રાખીને સંપૂર્ણ પારદર્શક રીતે ઓનલાઈન કરવામાં આવી છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સમાજજીવનના મહત્વના કાર્યોમાં જોડાઈને બાળકને જીવનનો નવો વિચાર આપીને તેને કેળવવાનું કાર્ય કરશે. દેશ અને ગુજરાત રાજયનું ઉજવળ ભવિષ્ય બાળકો છે જે આવનારા સમયમાં દેશનું નેતૃત્વ કરવાના છે ત્યારે બાળકોમાં કુપોષણને દુર કરવાની જવાબદારી લઈને સુપોષિત બનાવવાનું ભગીરથ કાર્ય કરવાનું છે. આ પ્રસંગે ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આંગણવાડીમાં આજથી જોડાનાર તમામ બહેનો માતા યશોદાનો દરજ્જો ધરાવે છે. બાળકો માનો ખોળો છોડીને આંગણવાડી બહેનોના ખોળામાં જાય છે અને ત્યાંથી શિક્ષણની આંગળી પકડીને આગળ વધે છે. ત્યારે આ બાળકોને રાજ્યના વિકાસ પથ પર પ્રેરિત કરવાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવા ભાનુબેને નવનિયુક્તઆંગણવાડી બહેનોને અનુરોધ કર્યો હતો. કલેક્ટર શ્રી ઓમપ્રકાશે સ્વાગત પ્રવચનમાં આજના કાર્યક્રમની રૂપરેખા આપતા આજે નિમણૂક પત્ર મેળવનાર આંગણવાડી બહેનોને શુભેચ્છાઓ આપી હતી. રાજકોટ ઝોનના 12 જિલ્લા તથા 3 મહાનગરપાલિકાના કુલ 2336 આંગણવાડી તેડાગર અને કાર્યકર બહેનોને આજના કાર્યક્રમમાં આમંત્રિતોના હસ્તે નિમણૂકપત્રો અપાયા હતા. આમંત્રિતોના હસ્તે દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ મહાનુભાવોનું મિલેટસની ટોપલી વડે સ્વાગત કરાયું હતું. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરાયું હતું, જ્યાં રાજ્યભરના અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટના 4 ઝોનના 9 હજારથી વધુ આંગણવાડી બહેનોને નિમણૂકપત્રો અપાયા હતા. આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, દર્શિતાબેન શાહ તથા મહેન્દ્ર પાડલીયા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન કયનબેન બગડા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિદ, નિવાસી અધિક કલેક્ટર એ.કે. ગૌતમ વગેરે ઉપસ્થિત રહયા હતા.
