રાજકોટમાં ઈલેક્ટ્રીક વેસ્ટ એકત્ર કરવા મનપા દ્વારા ઈ-વ્હીકલનો પ્રારંભ કરાયો

પ્રથમ દિવસે છ કિલો એકત્ર : હવે એસી, ફ્રિજ, ટીવી સહિતના ઈલેક્ટ્રીક આઈટમ ડોર ટુ ડોર કલેક્ટ કરાશે

લોકોના ઘર કે ઓફિસમાં બિનઉપયોગી રહેલા ઇલેકટ્રોનિક સાધનોનો પર્યાવરણની સુરક્ષા સાથે વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય અને લોકોને ઇ-વેસ્ટની યોગ્ય કિંમત પણ મળી રહે તે હેતુથી મહાપાલિકા દ્વારા આજથી ઇ-વેસ્ટ વ્હીકલની શરૂઆત કરવામાં આવી છે. એજન્સી સાથે ભાગીદારીથી આ કામ ચાલશે અને વીજ સાધનોનો યોગ્ય નિકાલ યોગ્ય ભાવ સાથે થશે.
ઇસીએસ એજન્સી સાથે મનપાએ નકકી કરેલા દર મુજબ જનરલ ઇ-વેસ્ટ રૂા. 1પ પ્રતિ કિલો લેખે એજન્સી લઇ જશે. આ ઉપરાંત જુના એ.સી.નો ભાવ રૂા. 2000, વોશિંગ મશીન અને ફ્રીઝના રૂા.પ00, મોબાઇલ અને ટેલીવિઝનના રૂા. ર00, લેપટોપ અને ડેસ્કટોપ કોમ્પ્યુટરની ઇ-વેસ્ટ કિંમત રૂા. પ00 નિર્ધારીત કરવામાં આવી છે.
શહેરને સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવાની આ દિશામાં ઇલેક્ટ્રોનિક કચરો (ઇ-વેસ્ટ)ના યોગ્ય અને વૈજ્ઞાનિક નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા અધિકૃત ઇસીએસ (ઇ-વેસ્ટ કલેકશન સર્વિસ) સાથે સંકલન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત શહેરના નાગરિકો પોતાના ઘરમાં કે ઓફિસમાં ઉપયોગમાં ન રહેલા ઇલેક્ટ્રોનિક સાધનો યોગ્ય રીતે સોંપીને પર્યાવરણ સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે તેમજ તેના બદલામાં આર્થિક લાભ પણ મેળવી શકે છે. આ ઇ-વેસ્ટ વ્હીકલનો આજે વોડ નં.13માંથી પ્રારંભ કરાતા પ્રથમ દિવસે જ વોર્ડ નં.13માંથી છ કિલો ઈ-વેસ્ટ એકત્ર થયેલ છે તેમ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા અને સેનિટેશન સમિતિના ચેરમેન નીલેશભાઈ જલુએ જણાવ્યું હતું.
એજન્સી દ્વારા વિવિધ પ્રકારના ઇ-વેસ્ટ માટે યોગ્ય રકમ ચૂકવવામાં આવશે ઇ-વેસ્ટમાં એર ક્ધડીશનર, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, લેપટોપ, ડેસ્કટોપ કમ્પ્યુટર, ટેલિવિઝન, મોબાઇલ ફોન, સામાન્ય ઇ-વેસ્ટ વગેરે સામગ્રીનો સમાવેશ થાય છે. નાગરિકોની સુવિધા માટે ફ્રી ડોર-ટુ-ડોર પિકઅપ સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઇ-વેસ્ટ પિકઅપ બુક કરવા માટે નાગરિકો ટોલ ફ્રી નંબર 155304 અથવા મોબાઇલ નંબર +91 89800 04000 પર સંપર્ક કરી શકે છે.
ઇ-વેસ્ટનો અયોગ્ય નિકાલ જમીન, પાણી અને હવામાં ગંભીર પ્રદૂષણ ફેલાવે છે તેમજ માનવ સ્વાસ્થ્ય માટે પણ જોખમી સાબિત થાય છે. આવા સંજોગોમાં અધિકૃત એજન્સી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી ઇ-વેસ્ટનું રિસાયક્લિંગ કરવામાં આવે છે, જેથી પર્યાવરણનું સંરક્ષણ થાય અને મૂલ્યવાન સંસાધનોનું પુન:ઉપયોગ શક્ય બને. લોકોને પોતાના ઇલેક્ટ્રોનિક કચરાનો યોગ્ય નિકાલ કરી સ્વચ્છ રાજકોટ-હરિયાળું રાજકોટના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપવા પદાધિકારીઓએ અપીલ કરી છે.

રિલેટેડ ન્યૂઝ