વાઇબ્રન્ટ પહેલા જ એરપોર્ટને ઇમીગ્રેશનની મંજુરી મળશે: ટર્મિનલમાં સુવિધા ઉપલબ્ધ
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે કાર્યરત થયેલ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં હાલ ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ કરવાની ગતિવિધિઓ તેજ બની છે. એરપોર્ટ ઓથોરિટીએ ઘણા લાંબા સમયથી ઈમીગ્રેશન એપ્રુવલ મેળવવા દરખાસ્ત મુકી છે. જે આગામી વાઈબ્રન્ટ સમીટ પહેલા જ ઈમીગ્રેશન એપ્રુવલ મળે તેવી આશા સેવાઈ રહી છે.
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ હેઠળ તૈયાર થયેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે 27મી જુલાઈ-2023માં ઉદઘાટન કરાયા બાદ તા.10મી સપ્ટેમ્બર 2023નાં રોજ આ એરપોર્ટમાં ડોમેસ્ટીક હવાઈ સેવાનો પ્રારંભ થયો હતો. તબકકાવાઈઝ પ્રોજેકટના કામો પૂર્ણ થતા 9મી ફેબ્રુઆરી-2025નાં રોજ નવા ટર્મિનલને વિધિવત રીતે ખુલ્લુ મુકાયુ હતું. ઈન્ટરનેશનલ એરપોર્ટમાં પાંચ એરોબ્રિજ કાર્યરત થયા છે. જેમાં બે એરોબ્રિજ હાલ ઈન્ટરનેશનલ ફલાઈટ માટે રિઝર્વ રહ્યા છે. વેપાર સંગઠનોની કાર્ગો સેવાની રજુઆતને ધ્યાને લઈ કાર્ગો ફલાઈટને ગત 30મી જુલાઈ 2025 માં મંજુરી અપાતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસ એન્ડ કસ્ટમ દ્વારા હીરાસર એરપોર્ટને ઈમ્પોર્ટ- એક્ષ્પોર્ટ થતા ગુડસ લોડીંગ/અનલોડીંગ માટે કાર્ગોની મંજુરી મળતા આંતરરાષ્ટ્રીય કાર્ગો ફલાઈટ માટેનો માર્ગ ખુલ્લો થયો હતો. તા.27મી ઓગષ્ટથી વિધિવત રીતે કાર્ગોની સેવા શરૂ થઈ હતી.
ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ઈન્ટરનેશનલ ફલાઈટ માટે એરપોર્ટ ઓથોરિટીએ દરખાસ્ત મુકી છે. જે આગામી વાઈબ્રન્ટ સમીટ પુર્વે જ ઈમીગ્રેશન એપ્રુવલ મળે તેવી સંભાવના છે. ઈન્ટરનેશનલ ફલાઈટનાં ઓપરેશનને હેન્ડલ કરવા તમામ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે. ચેક-ઈન કાઉન્ટર, ક્ધવેયર બેલ્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ છે. ઈમીગ્રેશન એપ્રુવલ ટુંક દિવસોમાં જ મળે તેવી સંભાવનાને પગલે એરપોર્ટ ઓથોરિટીએ તમામ પ્રકારની તૈયારીઓને ઓપ અપાઈ રહ્યાનુ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ઈમીગ્રેશન એપ્રુવલ મળતા જ ઈન્ડીગોની સૌ પ્રથમ દુબઈ ફલાઈટ શરૂ થવાની શકયતા છે.
