મુસાફરોનો ધસારો રહેતા દૈનિક આવકમાં 10 લાખથી વધુનો વધારો
ઉત્તર અને દક્ષિણ ગુજરાત માટે સૌથી વધારે પૂછપરછ
તાજેતરમાં જ કમુર્હુતા પૂર્ણ થયા છે અને લગ્નગાળાની સીઝન પૂરબહારમાં શરુ થઇ ગઇ છે. જેનો સીધો લાભ રાજકોટ એસટી વિભાગને છેલ્લા 3-4 દિવસથી મળી રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અસંખ્ય લગ્નો લેવાયા હોય તેમાં હાજરી આપવા માટે મુસાફરોનો ધસારો સતત બસપોર્ટ ઉપર વધી રહ્યો છે. આથી રાજકોટ એસટી વિભાગને વધારાની આવક ઉપરાંત એકસ્ટ્રા ટ્રાફિક પણ નોંધપાત્ર માત્રામાં મળવા લાગ્યો છે.
લગ્નગાળાના પગલે એસટી વિભાગની દૈનિક આવકમાં રૂા.10 લાખ જેટલો વધારો થઇ ગયો છે. આ અંગે રાજકોટ એસટી વિભાગના સુત્રોનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી લગ્નગાળાનો લાભ પુરબહારમાં મળી રહ્યો છે. અને મોટા ભાગના રૂટોની બસો ચીક્કાર દોડી રહી છે. એસટી વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ લગ્નગાળાની સિઝનના પગલે રાજકોટ એસટી વિભાગને દૈનિક આવક રુા. 70 લાખથી વધુની થઇ ગઇ છે.
કમુર્હુતા અગાઉ એસટી વિભાગની દૈનિક આવક રુા. 60થી 62 લાખ હતી તેમાં હવે સીધો રુા. 8 થી 10 લાખનો વધારો થઇ ગયો છે. ખાસ કરીને લગ્નગાળાના પગલે રાજકોટથી જુનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી રૂટોની ટોટલી બસો પેક દોડી રહી છે. રૂટીંન ટ્રાફિક ઉપરાંત રાજકોટ એસટી વિભાગને ટુંકા અંતરની વર્ધીના બુકીંગ પણ ખૂબ જ સારી માત્રામાં મળી રહ્યા છે. આજ સુધીમાં એસટી વિભાગના 38 થી વધુ લગ્નની વર્ધીના બુકીંગ થઇ જવા પામ્યા છે.
ઉલ્લેખનીય છે કે એસટી વિભાગમાં લગ્નગાળાનો ટ્રાફિક ખૂબ જ વધી જતાં પૂછપરછ બારી ઉપર પણ વ્યાપક ધસારો જોવા મળે છે. આ બાબતને ધ્યાને લઇ રાજકોટ એસટી વિભાગના સત્તાવાળાઓએ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દાહોદ-ઝાલોદ રુટ માટે પૂછપરછની વધારાની એક બારી પણ શરુ કરી છે. પ્લેટ ફોર્મ નં.17 ઉપર આ ખાસ પૂછપરછ બારી શરુ કરવામાં આવી છે.
