રેલ્વે દ્વારા વિના કારણે ચેન પુલીંગ કરનાર 29 આરોપીઓની ધરપકડ

ટ્રેન થંભાવી દેવાના 49 કેસમાં આર.પી.એફ. દ્વારા કાર્યવાહી

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રેલવે સુરક્ષા દળએ કાયદો અને વ્યવસ્થા જાળવવા, રેલ મુસાફરો તેમજ રેલવે પરિસરની સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં જાન્યુઆરી 2026 દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી છે. સેવા હી સંકલ્પ અભિયાન હેઠળ તારીખ 01 જાન્યુઆરી 2026 થી 31 જાન્યુઆરી 2026 સુધી આરપીએફ દ્વારા આઈજી-સહ-મુખ્ય સુરક્ષા કમિશનર અજય સદાનીના કુશળ નેતૃત્વ અને રાજકોટના ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ પ્રતિબદ્ધતા, તકેદારી અને માનવીય સંવેદનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડતી કામગીરી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન આરપીએફ રાજકોટ ડિવિઝન દ્વારા વિવિધ અભિયાનો હેઠળ સ્ટેશનો અને ટ્રેનોમાં છૂટી ગયેલા 26 મુસાફરોનો અંદાજે રૂ.2,71,589/- ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે તેમના અસલી માલિકોને પરત કરવામાં આવ્યો હતો. 03 ગુમ થયેલા બાળકોને હેમખેમ શોધી કાઢી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. રેલવે સંપત્તિની ચોરી રોકવા માટે ચલાવવામાં આવેલા અભિયાનમાં 03 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી રેલ સંચાલનમાં અવરોધ ઉભી કરતી ગેરકાયદેસર ચેઈન પુલિંગની ઘટનાઓ પર કાર્યવાહી કરતા 49 કેસ નોંધવામાં આવ્યા હતા અને 29 આરોપીઓની ધરપકડ કરી રેલવે અધિનિયમ હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.રેલવે ટિકિટોના કાળાબજારમાં સંડોવાયેલા 01 વ્યક્તિને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.આ અભિયાન હેઠળ 01 વિખૂટા પડેલા વ્યક્તિને તેના પરિવાર સાથે મિલન કરાવી માનવીય જવાબદારી નિભાવવામાં આવી હતી.મુસાફરોના સામાનની ચોરીના 02 કિસ્સામાં 02 આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે રેલવે પોલીસને સોંપવામાં આવ્યા હતા.ચાલુ ટ્રેનમાં ચડતી વખતે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયેલા એક મહિલા મુસાફરને તત્પરતા દાખવી સુરક્ષિત બહાર કાઢી તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો.ગ્રામ્ય સ્તરે બેઠકો અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આરપીએફ રાજકોટ ડિવિઝન મુસાફરોની સુરક્ષા, સેવા અને વિશ્વાસ જાળવી રાખવા માટે નિરંતર પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આ જ સમર્પણ સાથે કાર્યરત રહેશે.

રિલેટેડ ન્યૂઝ