રાજકોટના વોર્ડ નં.9 માં શિલ્પન ઓનેકસ નજીક ગંગોત્રી પાર્ક નજીક સમરસ હોસ્ટેલ પાસે અવાવરૂ જગ્યામાં અનૈતિક અડ્ડા


ન્યુસન્સ પોઇન્ટ હટાવી ત્યાં સ્પોર્ટસ સંકુલ બનાવવાનો પ્રોજેકટ બજેટમાં મુકવા કોર્પોરેટર જીતુ કાટોળિયાની માંગણી

મહાપાલિકાના ર0ર6-27ના બજેટનો સ્ટે.કમીટીએ અભ્યાસ શરૂ કર્યો છે ત્યારે વોર્ડ નં.9માં જુદા જુદા કામોનો બજેટમાં સમાવેશ કરાવવાનો પત્ર કોર્પોરેટર જીતુભાઇ કાટોળીયાએ મેયરને પત્ર લખ્યો છે. જેમાં કેરેલા પાર્કનો નિર્જન રસ્તો ન્યુસન્સ પોઇન્ટ બન્યાનું, દારૂના અડ્ડા અને છેડતીના બનાવો બનતા હોવાનું પણ ગંભીરતાથી ધ્યાન દોર્યુ છે. ભાજપના નગરસેવકે જણાવ્યું છે કે, ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર શિલ્પન ઓનેકસની બાજુમાં પાટીદાર ચોકથી આવતો સીધો રસ્તો ગંગોત્રી પાર્ક ક્રોસ કરીને સમરસ હોસ્ટેલ નજીક કેરેલા પાર્ક સુધી જાય છે. આ રસ્તો ડામરથી મઢાયો ન હોય, બંધ જેવી હાલતમાં ન્યુસન્સ પોઇન્ટ બન્યો છે. આ અવાવરૂ અને પડતર જગ્યામાં કોર્પો.ના જ કોન્ટ્રાકટરો વેસ્ટ કચરો નાંખી જાય છે.
બાજુમાં ત્યાં ઝુંપડામાં દારૂનું વેંચાણ થાય છે અને મહિલાઓની વારંવાર છેડતી થાય છે. આથી પાકો રોડ બનાવી આપવા લત્તાવાસીઓએ રજુઆત કરી છે. મુંજકામાં ગાર્ડન સેરેનીટી પાસેનો 80 ફુટનો રોડ ડામરનો કરવો, આદિત્ય-69 આવાસવાળો 18 મીટરનો રોડ અને અવધ આવાસ યોજનાવાળો રોડ નવો કરી આંગણવાડી બનાવવાની પણ જરૂર છે. આ વોર્ડમાં પાર્ટી પ્લોટની જરૂર છે. સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓની મોટી સંખ્યાના કારણે વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ સંકુલ બનાવવા જોઇએ. સાધુ વાસવાણી રોડ આજુબાજુ એક ફુડ કોર્ટની પણ જરૂરીયાત છે. આ માંગણી ધ્યાને લેવા રજુઆત કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ