રાજકોટ જિલ્લામાં પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ

ચુંટણી ફરજ પરના સ્ટાફ-પોલીસ કર્મચારીઓ સહીતનાએ કર્યું મતદાન: મત ગણતરી માટે કર્મચારીઓને અપાઇ તાલીમ

રાજકોટ મહાનગરપાલિકા, જીલ્લા-તાલુકા પંચાયત સહિત જિલ્લાની સ્થાનિક સ્વરાજની આગામી તા.26 એપ્રિલના આયોજીત કરાયેલ ચુંટણીને આડે હવે માત્ર ત્રણ જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે ચુંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન શરુ કરી દેવામાં આવ્યું છે.
રાજકોટ શહેર-જિલ્લામાં સ્થાનિક સ્વરાજની આ ચુંટણી માટે 11000થી વધુ કર્મચારીઓનો કાફલો ફરજ પર લેવામાં આવેલ હોય આ કર્મચારીઓમાં ચુંટણીની તાલીમ દરમ્યાન જ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેના ફોર્મ ઈશ્યુ કરી દેવામાં આવેલ હતા. પોસ્ટલ બેલેટના મતદાન ફોર્મ કર્મચારીઓ ચુંટણી અધિકારીઓને બંધ કવરમાં મોકલાવી રહ્યા છે. શાંતિપૂર્ણ રીતે પોસ્ટલ બેલેટની મતદાનની આ પ્રક્રિયા ચાલી રહી હોવાનું કલેકટર તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.
તેની સાથોસાથ સ્થાનિક સ્વરાજની આ ચુંટણીની મતગણતરી માટે કર્મચારીઓને અગાઉ કલેકટર તંત્ર દ્વારા ઓર્ડરો ઈશ્યુ કરવામાં આવ્યા બાદ હવે આ કર્મચારીઓને મતગણતરીની તાલીમ પણ આજથી આપવાનું શરુ કરી દેવામાં આવ્યુ છે.
જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશ નાયબ ચુંટણી અધિકારી મુછાળ સહિતના તજજ્ઞો દ્વારા કર્મચારીઓને આ તાલીમ આપવામાં આવી રહી છે. અહી એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં ચુંટણી પ્રક્રિયા પારદર્શકતાથી યોજાય તેમજ મતદારો મુક્ત મને કોઈપણ દબાણ વગર મતદાન કરી શકે તે માટે માઈક્રો પ્લાનીંગ સાથેની તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. રાજકોટ મ્યુ.કોર્પોરેશનની ચુંટણીની છ સ્થળો પર મતગણતરી કરવામાં આવનાર છે. જેમાં વોર્ડ નં.1થી3ની પાંધી કોલેજ, વોર્ડ નં.4થી6ની ચૌધરી હાઈસ્કુલ, વોર્ડ નં.7થી9ની વિરાણી હાઈસ્કુલ, વોર્ડ નં.10થી12ની એવીપીટી કોલેજ, વોર્ડ નં.13થી15ની જસાણી સ્કુલ ગોંડલ રોડ અને વોર્ડ નં.16થી18ની રણછોડદાસબાપુ કોમ્યુનીટી હોલ ખાતે મતગણતરી કરવામાં આવનાર છે. આ ઉપરાંત જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીની મતગણતરી માટે પણ અલગ અલગ મતગણતરી કેન્દ્રો સુનિશ્ર્ચિત કરી મતગણતરી માટે કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી માટે 8948 જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી માટે 8400 તેમજ ગોંડલ નગરપાલિકાની ચુંટણી માટે 1700થી વધુ કર્મચારીઓ ચુંટણી ફરજ બજાવનાર છે. આ ચુંટણી સ્ટાફ દ્વારા બેલેટ પેપરથી પોતાના પસંદગીના ઉમેદવારની મત આપવાની પ્રક્રિયા શરુ કરાયેલ છે. મતગણતરી માટે વોટીંગ મશીનમાંથી ડેટા કેવી રીતે મેળવવો, પોસ્ટલ બેલેટની કઈ રીતે ગણતરી કરવી ટ્રેબ્યુલેશન શીટમાં એન્ટ્રી સહિતની બાબતો અંગે ઝીણવટભરી તાલીમ કર્મચારીઓને આપવામાં આવી રહી છે. રાજકોટ શહેર-જિલ્લામાં સ્થાનિક સ્વરાજની આ ચુંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે વહીવટીતંત્ર સજજ બન્યુ છે.

રિલેટેડ ન્યૂઝ