અચાનક બ્રેક મારતા ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા પ્રૌઢને ગંભીર ઈજાઓ થતા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા
રાજકોટની બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે શનીવારે સવારે આગળ જતા ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી કાર ટ્રક ની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો,જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના માદેવિયા ગામના ખેડૂત પ્રૌઢનું ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.પોલીસ સુત્રો માંથી મળતી મળતી વિગતો મુજબ જામકલ્યાણપુરના માદેવિયા ગામે રહેતા નારણભાઈ સાજણભાઈ કરંગીયા (ઉં.વ.58) તેમના વેવાઈ પક્ષના સગા રામશીભાઈ સાથે કારમાં આણંદ ફરવા જઈ રહ્યા હતા, વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ સોખડા ચોકડી નજીક એચપી પેટ્રોલ પંપ પાસે પહોંચતા તેમની કારની આગળ જઈ રહેલા વાહને અચાનક પશુ આડું ઉતરતા જોરદાર બ્રેક મારી હતી.
તે વાહન સાથે ટક્કર ટાળવા માટે ચાલક રામશીભાઈએ કાર રોડની સાઈડમાં લીધી હતી પરંતુ સાઈડમાં પાર્ક કરેલા એક ટ્રકની પાછળ કાર ધડાકાભેર ઘુસી ગઈ હતી,અકસ્માતમાં કારની ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા નારણભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે ચાલક રામશીભાઈનો આબાદ બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત નારણભાઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ટૂંકી સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો,મૃતક નારણભાઈ ખેતીકામ કરતા હતા અને ત્રણ ભાઈઓ તથા ત્રણ બહેનોમાં વચેટ હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. બે દિવસ પહેલા જ રામશીભાઈ માદેવિયા ગામે મહેમાનગતિએ આવ્યા હતા અને પરત જતી વખતે નારણભાઈને આણંદ ફરવા સાથે લઈ જતા હતા.
