કેદીઓ અને તેમના પરિવારોને કાનુની ગુંચવણોમાં મદદરૂપ થવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલમાં લીગલ હેલ્પ ડેસ્કનો આરંભ

રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. જેલના કેદીઓ અને તેમના સગા-સંબંધીઓને કાનૂની ગૂંચવણોમાં મદદરૂપ થવા માટે રાજકોટ મધ્યસ્થ જેલના મુલાકાતી વિસ્તારમાં ’લીગલ હેલ્પ ડેસ્ક’ કાર્યરત કરવામાં આવ્યું છે. આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય મુલાકાતે આવતા પરિવારજનોને જામીન, અપીલ અને કેસની સ્થિતિ અંગે સચોટ માહિતી આપવાનો છે. આ ડેસ્કના ઉદ્ઘાટન પ્રસંગે જીલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ એચ. વી. જોટાણીયા, ઈન્ચાર્જ જેલ અધિક્ષક એમ. આર. ઝાલા, અને ઈન્ચાર્જ નાયબ અધિક્ષક ડી. પી. રબારી સહિતના જેલર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ હેલ્પ ડેસ્ક પર જીલ્લા કાનૂની સેવા સત્તામંડળના એક પેરા લીગલ વોલન્ટીયર સેવામાં હાજર રહેશે. સેવાનો સમય સોમવારથી શનિવાર સવારે 09:00 થી 12:00 અને બપોરે 03:00 થી સાંજના 06:00 વાગ્યા સુધીનો રહેશે. આ વ્યવસ્થાથી કેદીઓના પરિવારોને કાનૂની પ્રક્રિયા સમજવામાં સરળતા રહેશે અને તેમને પડતી હાલાકીઓમાં મોટો ઘટાડો થશે. તેમ યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ