મામલતદારને આવેદન પાઠવાયું: વિવિધ ગૌશાળાના પ્રતિનિધિઓ અને ગૌભકતો રેલીમાં જોડાયા
ગૌમાતા પ્રત્યે સન્માન, સંવેદના અને રક્ષણની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત બુધવારે રાજકોટ ખાતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ પાસે બહુમાળી ભવન ચોક ખાતે મોટી સંખ્યામાં સાધુ-સંતો, ગૌભક્તો, જીવદયા પ્રેમીઓ અને ગૌશાળાઓ સાથે જોડાયેલા કાર્યકરો એકત્ર થયા હતા. ત્યારબાદ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી સુધી પહોંચી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ, કૃષિ વ્યવસ્થા અને આધ્યાત્મિક પરંપરાનો અભિન્ન હિસ્સો છે. ગૌમાતા માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક જ નહીં પરંતુ પર્યાવરણનું સંતુલન, માનવ આરોગ્ય અને ગ્રામ્ય અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ કડી સમાન છે. દેશભરમાં લાંબા સમયથી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠી રહી છે અને ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ સાથે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી લાગણી સમાજના વિવિધ વર્ગોમાં વ્યાપક રીતે વ્યક્ત થઈ રહી છે.કાર્યક્રમ દરમિયાન ગૌસેવા, જીવદયા અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત લોકોએ ગૌરક્ષણ અને ગૌસંવર્ધન માટે સમાજને વધુ જાગૃત બનવા આહ્વાન કર્યું હતું.
આ રેલીમાં પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, શંકર મહારાજ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, કિશનભાઈ દવે, ચંદ્રેશભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, ડો. હિતેષ જાની, સ્વામી અચ્યુતાનંદજી, ધીરેન્દ્ર કાનાબાર, પ્રભાતભાઈ ડાંગર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગોંડલ રોડ સ્થિત સ્વામીનારાયણ ગુરૂકુળના સંતો તેમજ સહજાનંદ ગૌશાળા, રાધે રાધે ગૌશાળા, ગોકુલ ગૌશાળા, રાધેશ્યામ ગૌશાળા, રામદેવ ગૌશાળા (લાપાસરી), વેલનાથ ગૌશાળા (બેડી), સંતોષી ગૌશાળા (રામપર) અને બજરંગ ગૌશાળા (નવાગામ)ના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. બાળકલાકાર શૌર્ય કાકરેચા સહિત આશરે 300થી વધુ લોકો કાર્યક્રમમાં જોડાયા હતા. આ અભિયાન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ગૌસેવા, સંવેદના અને રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું.
