કર્મચારીઓના મહેનતાણા સહીતની ગ્રાન્ટની ફાળવણી કરાઇ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા-તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી વહીવટી તંત્રને અંદાજે રૂા. 6.પ0 કરોડમાં પડી છે. આ ચૂંટણી ખર્ચની રકમ ફાળવી દેવામાં આવતા ચુકવણા હવે વહીવટી તંત્ર દ્વારા ધીમે ધીમે શરૂ કરી દેવામાં આવેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીનો ખર્ચ મ્યુનિ. કોર્પોરેશન ભોગવનાર છે. કલેકટર તંત્રના સુત્રોએ જણાવ્યું હતું મ્યુનિ. કોર્પો.ની ચૂંટણી પાછળ થયેલા ખર્ચ માટે હાલ રાજ્ય ચૂંટણી આયોગ અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી પાછળ થયેલા ખર્ચ માટે વિકાસ કમિશ્ર્નર દ્વારા જરૂરી ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે શહેરના 18 વોર્ડમાં 8948 મતદાન મથકો તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 1186 મતદાન મથકો ઉભા કરવામાં આવેલ હતા. જયારે તાલુકા-જિલ્લા પંચાયતની બેઠકોની ચૂંટણી માટે 1186 મતદાન મથકો તૈયાર કરવામાં આવેલ હતા.
કલેકટર તંત્રના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે મતદાન પૂર્વે જ મતદાન મથક દીઠ ખર્ચની મર્યાદા રૂા. 30 હજાર નિયત કરી દેવામાં આવી હતી.
જેમાં કર્મચારીઓના મહેનતાણાનો ખર્ચ, ભોજન ખર્ચ, મંડપ, વિડીયોગ્રાફી, ભથ્થા સહિતના ખર્ચનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 18 વોર્ડના કુલ 1014 મતદાન મથકોના ખર્ચની કુલ 3.04 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જયારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન મથક દીઠ રૂા. ર6600ની ચૂકવણી કરવામાં આવી છે. જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી ખર્ચ પેટે રૂા. 3.46 કરોડની ગ્રાન્ટ વિકાસ કમિશ્ર્નર દ્વારા ફાળવવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી ખર્ચ પેટેની કુલ રૂા. 6.પ0 કરોડથી વધુની ગ્રાન્ટ મળતા જ મંડપ કર્મચારીઓના ભોજન, વિડીયોગ્રાફી સહિતના ચુકવણા માટે રિટર્નિંગ ઓફિસરોને ગ્રાન્ટની રકમ પહોંચાડી ખર્ચના ચુકવણા વહીવટી તંત્ર દ્વારા હવે ધીમે ધીમે શરૂ કરી દેવામાં આવેલ છે.
