રાજકોટમાં 101 મહીલા ઉદ્યોગ સાહસીકોનું બિઝનેશ વુમન એકસલન્સ એવોર્ડથી સન્માન

લઘુઉદ્યોગ ભારતીના 33માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ

લઘુ ઉદ્યોગ ભારતી-મહિલા વિંગ, રાજકોટ દ્વારા સંસ્થાના 33માં સ્થાપના દિવસ નિમિત્તે ‘બિઝનેસ વુમન એક્સેલન્સ એવોર્ડ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરની 101 પ્રગતિશીલ મહિલા ઉદ્યોગ સાહસિકોને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અને પૂર્વ મહિલા મોરચા પ્રભારી આદરણીય અંજલીબેન રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓની ક્ષમતાને બિરદાવતા જણાવ્યું હતું કે, ‘વર્તમાન સમયમાં બહેનો દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરવા સક્ષમ છે, માત્ર તેમને યોગ્ય પ્લેટફોર્મની જરૂર હોય છે, જે પૂરી પાડવાનું કાર્ય લઘુ ઉદ્યોગ ભારતી કરી રહ્યું છે.’
પૂર્વ મેયર રક્ષાબેન બોલિયા અને નયનાબેન પેઢડિયાએ પણ મહિલાઓ માટેની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા અને આર્થિક રીતે સદ્ધર બનવા હાકલ કરી હતી. રાજકોટ મહિલા પાંખના પ્રમુખ ડો. પીનાબેન કોટકે ઉપસ્થિત મહિલાઓને સંસ્થાના આગામી લક્ષ્યાંકો અને કાર્યક્રમોની રૂપરેખા આપી માહિતગાર કર્યા હતા. ભરૂચ સંઘ સંચાલક ડો. બલદેવભાઈ પ્રજાપતિએ લઘુ ઉદ્યોગ ભારતીની કાર્યપ્રણાલી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ગુજરાત પ્રદેશ મંત્રી હંસરાજભાઈ ગજેરાએ મહિલાઓને પોતાના બિઝનેસને વિશ્વ ફલક પર લઈ જવા માટે જરૂરી માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે ઈયમ ના સહયોગ સાથે ઈઊઉ માથી જ કો ઓડિનેટર શ્રી કોમલ બેન એ ઉપસ્થિત રહી બહેનોને વ્યવસાય લક્ષી તાલીમ માટે માર્ગદર્શન આપ્યું હતુ.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. શિવાની કોટક દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લઘુ ઉદ્યોગ ભારતી મહિલા પાંખના હોદ્દેદારો ડો. તૃપ્તિ કોટક રાજા, અલકાબેન કામદાર, હિનાબેન રાવલ, જયશ્રીબેન વ્યાસ, સુધાબેન અને બ્રીનદાબેન પટેલ, નિશાબેન ચોલેરા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ