રાજકોટની ફલોરા ઈન હોટલમાં ધમધમતા કુટણખાનામાં દરોડો

6 ગ્રાહક, 6 રૂપજીવીની મળી આવી મહીલા સંચાલક સામે ગુનો

લાખાજીરાજ રોડ પર બાપુના બાવલા પાસે આવેલી ફલોરા ઇન નામની હોટલમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ધમધમી રહી હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન છ ગ્રાહક અને છ રૂપજીવીનીઓ મળી આવી હતી. મહિલા સંચાલક મહેઝબિન ઉર્ફે માયાને ઝડપી લીધી હતી જ્યારે તેનો ભાગીદાર રિઝવાન સ્થળ પર હાજર ન હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્ર અને દિલ્હીથી લલનાઓને અહીં બોલાવી ગ્રાહક પાસેથી રૂપિયા 2000 લઈ લલનાને રૂ. 500 આપી અહીં કુટણખાનુ ચલાવવામાં આવતું હતું. દરોડાની વિગત મુજબ, એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જે.વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ એસ.એન. રાણાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કરણભાઈ વિસોડિયા અને કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ખાડેખાને લાખાજીરાજ રોડ પર બાપુના બાવલા પાસે આવેલ ફ્લોરા ઇન નામની હોટલમાં મહેઝબીન ઉર્ફે માયા હોટલમાં છોકરીઓ રાખી બહારથી ગ્રાહકો બોલાવી કુટણખાનુ ચલાવે છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા પ્રથમ માળે રૂમ નંબર 105, બીજા માળે રૂમ નંબર 202, રૂમ નંબર 203, 204 તેમજ અન્ય એક રૂમમાંથી છ લલનાઓ અને છ ગ્રાહકો મળી આવ્યા હતા. હોટલમાંથી મળી આવેલી લાલનાઓ દિલ્હી અને મહારાષ્ટ્રની વતની હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે હોટલ સંચાલક મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નિકિતા હરેશ કાકડીયા (ઉ.વ.32 રહે. ભાડલા ભંડારીયા, જસદણ) ની મહિલા કોન્સ્ટેબલ મારફત અંગ ઝડતી લેતા તેની પાસે રહેલ પર્સમાંથી રોકડ રૂપિયા 83 હજાર મોબાઈલ ફોન મળી આવ્યો હતો તેમજ હોટલના કાઉન્ટર પર ચેક કરતા રોકડ રૂપિયા 50,000 મળી આવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન કુલ રૂપિયા 1,43,275 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાદમાં પોલીસે રૂપજીવીઓની પૂછતાછ કરતા મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નીકીતા તથા રિઝવાન તેમને હોટલમાં બોલાવી બહારથી ગ્રાહકો બોલાવી શરીર સંબંધ કરાવતા અને ગ્રાહક દીઠ રૂપિયા 2000 લઈ પોતાને રૂપિયા 500 આપતા અને બાકીના 1500 પોતે દલાલી પેટે રાખતા હોવાનું જણાવ્યું હતું. શરીર સુખ માણવા આવેલા ગ્રાહકોની પૂછતાછ કરતા રિઝવાન તથા મેહઝબિન ફોન કરી હોટેલમાં બોલાવતા હોવાનું જણાવ્યું હતુ. પોલીસે કુટણખાનું ચલાવનાર મહિલા મહેઝબીન ઉર્ફે માયાની ધરપકડ કરી હતી જ્યારે તેના સાથીદાર રિઝવાન (રહે. રાજકોટ) ને ઝડપી લેવા તપાસ કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ ગોંડલ રોડ પરની શિવા હોટલમાં ચાલતાં દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ એ.ડિવિઝન પોલીસે કરી સંચાલક નિશાંત રૂપારેલીયા સહિત બે શખ્સોને પકડી પાડ્યા હતાં.

એક માસ પૂર્વે હોટલ ભાડે રાખી’તી: કુખ્યાત માયા સામે અગાઉ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો’તો
દેહ વ્યાપરનો ધંધો કરતાં પકડાયેલ જસદણ પંથકની મહેઝબીન ઉર્ફે માયા અગાઉ પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં પોલીસ ચોપડે ચડી ચૂકી છે. ગાંધીગ્રામ પોલીસે ગત વર્ષે તેને કુટણખાનુ ચલાવતા ઝડપી લીધી હતી. માયા અને રિઝવાને અહીં હોટલ ફ્લોરા ઇન એક મહિના પૂર્વે ભાડે રાખી હોવાનું જાણવા મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ