જંકશન વિસ્તારના ચાર શખ્સોએ તરધડી, પડધરી, મોવૈયાથી ચોર્યા હતા વાહન
પડધરી પોલોસની વાહન ચોરીના નેટવર્કને ભેદવામાં મહત્વની સફળતા મળી છે. પડધરી પોલીસે રાજકોટના ચાર શખસોને ઝડપી લઇ તેમની પાસેથી છ ચોરાઉ વાહન રૂ.3.90 લાખનો મુદામાલ કબજે કર્યા હતા. જેમાં પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલાયા છે.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા મિલકત સંબંધી ગુના ડિટેક્ટ કરવાની આપેલ સૂચનાથી પડધરી પોલીસ મથકના પીઆઈ એમ.જી. ચૌહાણની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, ચાર શખસો શંકાસ્પદ બાઈક સાથે રાજકોટ જામનગર હાઇવે પરથી નીકળનાર છે. જેથી પોલીસની ટીમે અહીં વોચ ગોઠવી હતી દરમિયાન ત્યાંથી પસાર થયેલ સમીર હસનમોહમ્મદ શેખ (રહે. રાજકોટ) અને અનિકેત રાકેશભાઈ કુમાર (રહે. પોપટપરા શેરી નં. 4, રાજકોટ), હમીદ હસનભાઈ હાજી (રહે. જંકશન પ્લોટ ગાયકવાડી) અને અતિક દોસ્તમોહમ્મદ સુમરા (રહે પરસાણા નગર શેરી નંબર 6/7 નો ખૂણો, જામનગર રોડ રાજકોટ) ને શંકાસ્પદ બાઈક સાથે ઝડપી લીધા હતા.
પોલીસે આ વાહનો બાબતે પુછતાછ કરતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. બાદમાં પોલીસે બાઈક અંગે ખરાઈ કરતા બે મહિના પહેલા તરઘડી ગામેથી ચોરી કર્યાનું તથા એક્સેસ એક મહિના પહેલા પડધરી પાસેથી ચોરી કર્યાની આ શખ્સોએ કબૂલાત આપી હતી જેથી પોલીસે બંને વાહન શક પડતી મિલકત તરીકે કબજે કર્યા હતા. ચોરાઉ વાહન સાથે ઝડપાયેલા આ શખસોની સઘન પૂછતાછ કરતા તેમણે દોઢ એક મહિના પહેલા મોવૈયા ગામ પાસેથી એકટિવા તથા ગઇ તા. 29/4/2026 ના તરઘડી ગામ પાસેથી એક્સેસની ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 6 ચોરાઉ વાહન કબજે કર્યા હતા. આરોપીઓની પૂછતાછમાં પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે વાહન ચોરીના ભેદ ઉકેલાયા છે.
