કાલાવડ રોડ પર ધાર્મિક સંસ્થાના સ્મારકને હટાવવામાં મનપા વામણી

હાઈકોર્ટ અને કલેક્ટરના આદેશનો ઉલાળ્યો : આંદોલનની કોંગ્રેસની ચિમકી

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ફરી કાલાવડ રોડ પર ટીપી રોડની વચ્ચે કોઇ સરકારી મંજૂરી વગર અનઅધિકૃત ધાર્મિક સ્મારક (શેડ) ઉભો થવા છતાં અને તંત્રના લેખીત આદેશ છતાં ભાજપ શાસકો અને અધિકારીઓએ આ દબાણ હટાવવાનો આદેશ સાઇડમાં મુકીને છાવરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અને પ્રવક્તા સંજય લાખાણી તથા મહામંત્રી અને પ્રવક્તા કૃષ્ણદત્ત રાવલે તંત્રની આ નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા એક નિવેદનમાં જણાવ્યું છે કે, કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામેના માર્ગ પર આ ગેરકાયદે દબાણ ખડકી દેવામાં આવ્યું છે. આ દબાણને કારણે આસપાસની સોસાયટીઓના આશરે 5,000 થી 10,000 જેટલા લોકોને પોતાના ઘરે આવવા-જવામાં ભારે તકલીફ પડી રહી છે. ટ્રાફિક અને રસ્તાની ગંભીર સમસ્યા સર્જાવા છતાં કોર્પો.ના અધિકારીઓ અને ભાજપના નેતાઓ આંખ આડા કાન કરી રહ્યા છે. પ્રજા ટ્રાફિક જામમાં પીસાઈ રહી છે અને ત્રસ્ત બનીને ત્રાહિમામ પોકારી ગઈ છે. જાહેર માર્ગો પરના ધાર્મિક દબાણો હટાવવા માટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે સુઓમોટો અંતર્ગત સ્પષ્ટ અને કડક આદેશો આપેલા છે પણ રાજકોટમાં આ આદેશ લાગુ પડતા ન હોવાનું લાગે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ બાબતે વારંવાર લેખિત ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી છે. સરકારી દસ્તાવેજો જ સાબિત કરે છે કે આ દબાણ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે: (1) ગત તા. 6/9/2024 ના રોજ ખુદ કલેક્ટરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ ધાર્મિક સંસ્થા દ્વારા કરાયેલું દબાણ હટાવવા સ્પષ્ટ સૂચના આપી હતી. (2) ત્યારબાદ કમિશનરે સિટી એન્જિનિયર (ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ સેલ) ને કાર્યવાહી કરવાનો આદેશ કર્યો. (3) જેના અનુસંધાને લિટી એન્જિનિયર દ્વારા તા. 11/11/ 2024ના રોજ આ ’સ્કલ્પચર’ દુર કરવા બાબતે પત્ર લખવામાં આવ્યો હતો. આટલા સ્પષ્ટ લેખિત આદેશો હોવા છતાં આજદિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સૌથી આઘાતજનક બાબત એ છે કે, જ્યારે આ ગેરકાયદેસર દબાણ હટાવવા માટે તંત્ર દ્વારા મશીનરી અને સ્ટાફ તૈયાર કરીને ડિમોલિશનનો દિવસ નક્કી કરવામાં આવ્યો, ત્યારે છેલ્લી ઘડીએ કોઈ મોટા રાજકીય આગેવાનનો ’ફોન’ આવી જતા સમગ્ર કામગીરી પડતી મૂકવામાં આવી હતી. આથી હવે કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં સ્થાનિક રહીશોને સાથે રાખીને ઉગ્ર અને જલદ આંદોલનના મંડાણ કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ પ્રજાના હિતમાં અને ન્યાયપાલિકાના આદેશોના રક્ષણ માટે આ લડાઈને છેવાડા સુધી લઈ જવા કટિબદ્ધ છે. તંત્ર કોઈ. પણ શેહ-શરમ રાખ્યા વિના વહેલી તકે આ દબાણ દૂર કરી હજારો નાગરિકોનો માર્ગ મોકળો કરે, અન્યથા જનતાના રોષનો સામનો કરવા માટે તૈયાર રહે તેવી ચીમકી આપી છે.

રિલેટેડ ન્યૂઝ