રેસકોર્ષ વિસ્તારમાં ઓનલાઇન આઇડી ઉપર સટ્ટો રમતા 3 ઝડપાયા

આઇડી આપનાર બુકીની શોધખોળ

રેસકોર્સ ફરતે ક્રિકેટ સટ્ટાનું હબ બન્યું હોય તેમ ત્રણ પંટર ઓનલાઈન આઈડી પર જુગાર રમતાં પકડાયા હતાં. પીસબીની ટીમે રેસકોર્સ રીંગરોડ પાસેથી કચ્છનો કલ્યાણ લીલવા, ગેલેક્સી એપાર્ટમેન્ટ સામેથી પાર્થ માંડલિયા અને માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી સુરજ અવાડીયા બેટીંગ કરતાં પકડયા હતાં. જો કે, બુકીના નામ આઈપીએલના અંત સુધી ખોલવામાં પીસીબી કે પોલીસને સફળતા મળી ન હતી. દરોડાની વિગત મુજબ, પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ ચાવડા અને કોન્સ્ટેબલ વિશાલભાઈ દવેને રેસકોર્સ રીંગરોડ પાસે જાગનાથ શેરી નં. 41 લેમન ટ્રી વાળી શેરીમાં એક શખ્સ પોતાના મોબાઈલમાં આઈડી વડે જુગાર રમી રહ્યો છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ નામ પૂછતા પોતાનું નામ કલ્યાણ મેઘરાજ લીલવા (39),( રહે લાયઝા રોડ, અયોધ્યા નગર, માંડવી કચ્છ) હોવાનું જણાવ્યું હતું.
વધુમાં પોલીસે તેની પાસે રહેલ મોબાઈલ ફોન ચેક કરતા તેમાં ઓલ પેનલ 777 નામની આઈડી માં આઈપીએલ સીરીઝની પંજાબ અને દિલ્હી વચ્ચેની ક્રિકેટ મેચમાં જુગાર રમી રહ્યો હોવાનું સામે આવતા તે શખ્સની ધરપકડ કરી આઈડી આપનાર બુકીનું નામ ખોલાવવા તજવીજ આદરી હતી. બીજા દરોડામાં પીસીબી ટીમના એએસઆઇ સંતોષભાઈ મોરી અને કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રેસકોર્સ રીંગ રોડ પર ગેલેક્સી એપાર્ટમેન્ટ સામે રેડિયો સ્ટેશનની દિવાલ પાસે જાહેરમાં એક શખ્સ પોતાના મોબાઈલમાં ઓનલાઇન આઇડી વડે જુગાર રમી રહ્યો છે, તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ તેનું નામ પૂછતા પોતાનું નામ પાર્થ મુકેશ માંડલિયા (28),( રહે. સોની બજાર મેઇન રોડ, કિશાન ચા વાળાની સામે) હોવાનું જણાવ્યું હતું. પીસીબીની ટીમે તે શખ્સ પાસે રહેલ મોબાઈલ ચેક કરતાં તેમાં એમએલડી 777 નામની આઈડીમાં આઈપીએલ સીરીઝની પંજાબ અને દિલ્હી વચ્ચેની ક્રિકેટ મેચમાં જુગાર રમી રહ્યો હોવાનું સામે આવતા તે શખ્સની ધરપકડ કરી આઈડી આપનાર બુકીનું નામ ખોલાવવા તજવીજ આદરી હતી.
ત્રીજા દરોડામાં પીસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોરીચા અને રાહુલગીરી ગોસ્વામી સહિતનો સ્ટા ફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રેસકોર્સ અંદર માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ચબૂતરા નજીક જાહેરમાં એક શખ્સ પોતાના મોબાઈલમાં ઓનલાઇન આઇડી વડે જુગાર રમી રહ્યો છે, તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ તેનું નામ પૂછતા પોતાનું નામ સુરજ રાજેશ અવાડીયા (25),( રહે.હંસરાજ નગર) હોવાનું જણાવ્યું હતું. પીસીબીની ટીમે તે શખ્સ પાસે રહેલ મોબાઈલ ચેક કરતાં તેમાં એમઆરએમ 777 નામની આઈડીમાં આઈપીએલ સીરીઝની પંજાબ અને દિલ્હી વચ્ચેની ક્રિકેટ મેચમાં જુગાર રમી રહ્યો હોવાનું સામે આવતા તે શખ્સની ધરપકડ કરી આઈડી આપનાર બુકીનું નામ ખોલાવવા તજવીજ આદરી હતી.

રિલેટેડ ન્યૂઝ