ક્રાઇમ ડાયરી

કુવાડવા નજીક ત્રીપલ અકસ્માત
રાજકોટ : કુવાડવા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકને ગંભીર ઈજા થઈ હતી. શિવરાજપુરના હાર્દિક રાદડિયા અને અમદવાદના મોહિતભાઈ નઘેરિયાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બંને કારમાં સવાર હતા. બીજા બે વાહનો ટ્રક અને બસ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર, મોહિતભાઈ રાધેશ્યામભાઈ નઘેરિયા (ઉંમર વર્ષ 35, રહે.અમદાવાદ) અને હાર્દિકભાઈ અરજણભાઈ રાદડિયા (ઉંમર વર્ષ 28, રહે. શિવરાજપુર તા.જસદણ) આજે વહેલી સવારે 5 વાગ્યા આસપાસ કારમાં બેસીને જતા હતા ત્યારે કુવાડવા ગામ પાસે બળદેવ પેટ્રોલ પંપ પાસે કોઈ બસ અને ટ્રક સાથે અકસ્માત થયો હતો. બંનેને માથે અને શરીરે ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વધુમાં જાણવા મળ્યાં મુજબ, હાર્દિકભાઈ પોતાના બિઝનેસ કાર્ય માટે પૂના ગયા હતા. જ્યાંથી અમદાવાદ આવ્યા હતા. તેઓએ ટેક્સી કેબ બુક કરાવી હતી. મોહિતભાઈ કેબના ડ્રાઇવર છે. હાર્દિકભાઈના સગા સંબંધીઓ, પરિવારજનો રાજકોટ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. હાર્દિકભાઈને ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા હતા.
યુવકનું બેભાન હાલતમાં મોત
સ્વામિનારાયણ ચોક પાસે રહેતા યુવકનું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું જ્યારે એ. ડિવિઝન સામેના કોમ્પ્લેક્સમાં બેભાન અવસ્યામાં વૃદ્ધએ દમ તોડયો હતો. પહેલા બનાવમાં સંજયભાઈ હરિભાઈ પરમાર (ઉંમર વર્ષ 40, રહે. ચંદ્રેશ નગર શેરી નંબર 8, સ્વામિનારાયણ ચોક પાસે) ગઈકાલે રાત્રે 9 વાગ્યાં આસપાસ પોતાના ઘરે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બીજા બનાવમાં ટેબર રોડ વનવે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેની તરફ જીવન કોમર્શિયલ બેંક પાસેના સદગુરુ આર્કેડ કોમ્પ્લેક્સમાં રહેતા રામજીભાઈ ઉઠે માધાભાઈ પુંજાભાઈ વવેરા (ઉંમર વર્ષ 6પ) સવારે કોમ્પ્લક્સ ખાતે જ બેભાન થઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલ લાવતા તેમને મૃત જાહેર કરાયા હતા. આબેડકર નગરમાં રહેતો તેમનો પરિવાર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. મૃતકને 3 દીકરી અને 2 દીકરા છે. પોતે 1 ભાઈ 2. બેન મોટા હતા. તેઓ નિવૃત્ત હતા. તેમ પરિવારજનોએ જણાવ્યું હતું. અન્ય એક બનાવમાં મંજુબેન મુકેશભાઈ વાઘેલા (ઉંમર વર્ષ 46, રહે. વેલનાથપરા શેરી નંબર 22, મોરબી રોડ) કેન્સરની બીમારી સબબ ઘરે બેભાન થઈ ગયા હતા. રાજકોટ સિવિલમાં લાવતા તેમને મૃત જાહેર કરાયા હતા.
એન્જીનીયર પતિએ માર્યો માર
જસદણમાં રોટલા બનાવતા ન આવડ્યા તો એન્જીનીયર પતિએ પરિણિતાને માર માર્યો હતો. રાજકોટમાં માવતર ધરાવતા નગ્માબેન તરકવાડીયાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર, નગ્માબેન મોહસીનભાઈ તરકવાડીયા (ઉંમર વર્ષ 27, રહે.સૈયદ ચોક, જસદણ) તા. 9 ના રોજ રાત્રે 10 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે પતિ મોહસીને ઝઘડો કરીને માર મારતા ઈજા થતા પ્રથમ જસદણ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પછી ગઈકાલે રાજકોટ સિવિલમાં દાખલ થયા હતા. નગ્માબેને જણાવ્યું કે, તેમના પિતા ફિરોજભાઈ ભાડુલા રાજકોટમાં જુના મોરબી રોડ ઉપર આવેલ ચામડીયાવાસમાં રહે છે. બે વર્ષ પહેલા તેમના નિકાહ જસદણના રહેવાસી મહંમદભાઈના દીકરા મોહસીન સાથે થયા હતા. મોહસીન સિવિલ એન્જિનિયર છે. ત્રણ-ચાર દિવસ પહેલા તેના સાસુ રોશન બેને રોટલા બનાવવા માટે કહ્યું હતું છ સાત રોટલા બનાવ્યા હતા પરંતુ તે બગડી ગયા હતા સરખા બન્યા નહોતા. સાસુને ખ્યાલ હતો કે નગ્માને બાજરાના રોટલા બનાવતા આવડતું નથી. છતાં બનાવના દિવસે રોટલા બનાવવાનું કહેતા નગ્માએ કહ્યું હતું કે, તમે જ રોટલા બનાવી નાખો. સાસુ વહુ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી આ પછી પતિ ઘરે આવતા તું કેમ મારા માતા સામે બોલે છે તેમ કહીને પતિ મોહસીને ઝઘડો કરી માર માર્યો હતો. બનાવા અંગે પોલીસે પરણીતાનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
બિમારીથી પરણીતાનું મોત
શહેરના નવાગામ નજીક આવેલ રંગીલા વિસ્તારમાં સોમનાથ સોસાયટીમાં રહેતી પૂજાબેન સફીભાઈ મહંમદ (ઉંમર વર્ષ 29) ગઈકાલે રાત્રે એક વાગે પોતે પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. તેમના પતિ સફીભાઈએ જણાવ્યા મુજબ, તેઓ મૂળ રાજસ્થાનના વતની છે. 2 વર્ષ પહેલા લવ મેરેજ કર્યાં હતા. પતિ કંપનીમાં મજૂરી કામ કરે છે. પૂજાબેનને લાંબા સમયથી વાલની બીમારી હતી. જેની સારવાર પણ ચાલુ હતી. બીમારીના કારણે મૃત્યુ થયાનું અનુમાન છે. મૃતદેહ પીએમ માટે ખસેડાયો હતા.
વૃધ્ધની ઘરમાંથી કોહવાયેલ લાશ મળી
રામેશ્ર્વર પાર્કમાં ઘરમાંથી પ્રવિણચંદ્રભાઈ ઘાટલીયાની કોહવાયેલ લાશ મળી હતી. વૃદ્ધ એકલા રહેતા, મકાન માલિક બે દિવસ વડાપ્રધાનના કાર્યક્રમમાં સોમનાથ ગયેલ હોય ત્યાંથી પરત આવતા દુર્ગંધ આવતા પોલીસને જાણ કરી હતી. પ્રવિણચંદ્ર વલ્લભદાસ ઘાટલીયા (ઉ.વ.77, રહે.રામેશ્વર પાર્ક, બાપાસિતારામ ચોક શેરી નં. 2, ગાંધીગ્રામ) નિવૃત્ત હતા. તેમને સંતાનમાં 1 દીકરો અને બે દીકરી છે. પુત્ર નીપુલભાઇ કાલાવડ રોડ પર ત્રીજા માળે રહે છે. તેમાં લિફટ ન હોઇ પિતા પ્રવિણચંદ્ર ચડ-ઉતર કરી શકે તેમ ન હોઇ જેથી ભાડે રૂમ રાખી રામેશ્વર પાર્કમાં રહેતા હતા. પ્રવિણચંદ્રભાઈ નીચેના માળે રહેતા ઉપરના માળે તેમના મકાન માલિક એમના પરિવાર સાથે રહેતા. મકાન માલિક પરિવાર સાથે બે દિવસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં સોમનાથ ગયેલ હતા. ત્યાંથી પરત આવતા દુર્ગંધ આવતા પોલીસને જાણ કરી હતી. શનિવારે કે રવિવારે પ્રવિણચંદ્રનું હાર્ટએટેક આવી જતાં કે બેભાન થઇ જતાં મૃત્યુ થયાનું અનુમાન છે. પોલીસે અમૃતદે ફોરેન્સિક પીએમ માટે ખસેડ્યો હતો.
ખંઢેરી નજીક ટ્રેન હડફેટે યુવકનું મોત
મોડી રાત્રે ખંઢેરી પાસે ટ્રેન હડફેટે યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ કરવા અને વાલી વારસોની શોધખોળ કરવા પોલીસે તજવીજ કરી છે. ઉપરાંત બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગઈકાલે મૂડી રાત્રે 1/15 વાગ્યાં આસપાસ ખંઢેરી સ્ટેડિયમ નજીક, ખંઢેરી ગામના રેલ્વે સ્ટેશન પાસે, ટ્રેન હશે તે અજાણ્યો આશરે 45 વર્ષનો યુવાન આવી જતા ગંભીર ઈજા થયાની રેલવે પોલીસને જાણ થઈ હતી. 108 ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. આ યુવાને મૃત જાહેર કર્યો હતો. પોલીસે સ્થળ ઉપર જરૂરી કાગળ કાર્યવાહી કરીને મૃતદેહ પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. યુવકના શરીરના અંગના કટકા થઈ ગયા છે. ચહેરો ઓળખી શકાય એમ નથી. બીજા ઓળખના કોઈ પુરાવા પણ મળ્યા નથી. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આઇસરે ઠોકરે લેતા બાઇક ચાલકનું મોત
હિરાસર એરપોર્ટ પાસે આઈસર ટ્રકે બાઇકને હડફેટે લેતા ઘવાયેલા દિપક સોનોવાલનું મોત નીપજ્યું હતું. દીપક તેના મિત્ર રવિ સાથે બાઈક પર કુવાડવા પુત્રનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કઢાવવા જતો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. મૂળ આસામનો વતની અને હાલ હીરાસર એરપોર્ટ પાસે આવેલી કંપનીમાં કામ કરતો અને ત્યાં ઓરડીમાં પરિવાર સાથે રહેતો દિપક ભાબીન સોનોવાલ (ઉ.વ.45) અને મિત્ર રવિ ગિરધરભાઈ રંગતા (ઉ.વ.26) બંને ગત તા.7ના રોજ બાઈક લઈને કુવાડવા ગામે જતા હતા ત્યારે હિરાસર એરપોર્ટ પાસે પુરપાટ ઝડપે આવતા આઈસર ટ્રકે બાઇકને હડફેટે લેતા બંનેને ઈજા થઈ હતી. 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ રવિને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી જ્યારે દીપકને ગંભીર ઇજા થવાથી સારવાર ચાલુ હતી. દરમિયાન ગત રાત્રીના સારવારમાં જ તેમનું મૃત્યુ નીપજતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. પરિવારે જણાવ્યું કે, મૃતકને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. દીકરો કુવાડવાની સ્કૂલમાં ભણતો હતો. પણ આવતા વર્ષથી વતન આસામ ખાતે એડમીશન લેવાનું હતું એટલે તેનું લિવિંગ સર્ટી કઢાવવા માટે ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધવા તજવીજ કરી હતી.
આર્થીક ભીંસથી કંટાળી પ્રૌઢનો આપઘાત
બીમારીના કારણે કામ ધંધો ન કરી શકતા આર્થિક ભીંસમાં આવેલા બુરહાનુદ્દીનભાઈએ આપઘાત પ્રયાસ કર્યો હતો. રૈયાનાકા ટાવર પાસે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. મળતી માહિતી અનુસાર, બુરહાનુદ્દીન તૈયબઅલી સમીવાલા (ઉંમર વર્ષ 58, રહે. રૈયાનાકા ટાવર, રાજકોટ) આજરોજ સવારે 5 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને સંતાનમાં 1 દીકરી છે. પહેલા છુટક કામ ધંધો કરતા પણ હવે બીમારી, બ્લડ પ્રેશરની તકલીફના કારણે કામ થતું નહોતું. જેથી ઘરમાં પૈસાની તંગી પણ આવી ગઈ હતી. આ બધી સ્થિતિ ભેગી થતા તેઓએ પગલું ભર્યું હતું. હાલ તેઓ સારવાર હેઠળ છે. પોલીસે નિવેદન લેવા તજવીજ કરી હતી.
લોનનો હપ્તો ન ભરતા અદાલતે ફટકારી 1 વર્ષની સજા
રાજકોટમાં આવેલ સુંદરમ ફાયનાન્સમાંથી વાહન ઉપર લોન લઇ લોનના હપ્તા ન ભરનાર કલ્પેશ ખીમજીભાઇ વાઢેર (રહે. આનંદ એવન્યુ, શેરી નં.2, મોરબી રોડ બ્રિજ, આણંદપર)ને રાજકોટના પાંચમાં એડી. ચીફ જ્યુડી. મેજી.એ ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી છે. મળતી વિગત અનુસાર, આરોપી કલ્પેશે વાહન લોન લીધા પછી લોનના હપ્તા ભરવામાં નિષ્ફળ નિવડેલ લોન ભરપાઇ કરવા જણાવતા આરોપીએ રૂા.6.72 લાખનો ચેક લખી આપ્યો હતો. જે ચેક રિટર્ન થયો હતો. ફાયનાન્સ કંપનીએ પોતાના વકીલ મારફતે લીગલ નોટિસ મોકલ્યા છતાં ચેકની રકમ ન ચુકવતા કલ્પેશ વાઢેર સામે રાજકોટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઇ હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતાં કંપનીના વકીલ મયંકકુમાર પંડ્યાએ કરેલી દલીલો કંપનીના મેનેજર નિર્મલભાઇ ગોવિંદભાઇ ગોહિલ અને કંપનીના લો ઓફિસર પાર્થ જાનીએ કોર્ટમાં રજુ કરેલ પુરાવા-રજુઆતો ધ્યાને લઇ આરોપી કલ્પેશ વાઢેરને તકસીરવાન ઠરાવી કોર્ટે એક વર્ષની સજા અને એક મહિનાની અંદર ચેકની રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી કંપની વતી એડવોકેટ મયંકકુમાર આર. પંડ્યા, અનિતાબેન વાઘેલા, કિશોરભાઇ પટેલ વગેરે રોકાયેલ હતા.
રાજકોટમાં પાકિસ્તાની કેદીનું મોત
રાજકોટની જેલમાં રહેલ પાકિસ્તાનના કેદીનું મોત નીપજ્યું હતું. પાકિસ્તાની નાગરિક એવા 82 વર્ષીય ઇસ્માઇલ ઈબ્રાહીમને સિવિલમાં દાખલ કરાયેલ. જ્યાં સારવારમાં દમ તોડ્યો હતો. આ અંગે પોલીસ સૂત્રો અને જેલ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ઈસ્માઈલ ઈબ્રાહીમ વડાલા (ઉંમર વર્ષ 82) પોપટપરાની રાજકોટ જિલ્લા સેન્ટ્રલ જેલમાં બંદીવાન હોય, તા.2/5ના રોજ સવારે 11 વાગ્યાં આસપાસ તેને જેલમાં શ્વાસ ચડતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયેલ. અહીં સારવાર દરમ્યાન ગઈકાલે બપોરે તેનું મૃત્યુ નીપજ્યું હતું. પાકિસ્તાની નાગરિક હોવાના કારણે મેજિસ્ટ્રેટની હાજરીમા ઇન્કવેશ પંચનામાની કાર્યવાહી થઈ હતી. ફોરેન્સિક પીએમ કરાયું હતું. બીમારી સબબ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. જેલ તંત્રએ મૃતકના પાકિસ્તાન સ્થિત સગાઓનો સંપર્ક કરવા નિયમો મુજબ પ્રક્રિયા હાથ ધરી હતી.
આફ્રીકન વિદ્યાર્થીનું સ્કુટર સ્લીપ થતા 3 ઘવાયા
વહેલી સવારે સ્કૂટર સ્લીપ થતા મારવાડી યુનિ.ના ત્રણ આફ્રિકન વિદ્યાર્થી ઘવાયા હતા. તેઓને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. ત્રણ પૈકી એક વિદ્યાર્થીનું નામ જોયો જોશે (ઉંમર વર્ષ 35) હોવાનું જાણવા મળ્યું હતું. બીજા બે અર્ધ બેભાન યુવકોની ઓળખ કરવા તજવીજ કરાઈ હતી. બીજા બે યુવાનો પણ 30થી 32 વર્ષની વયના છે. ત્રણેય આજે સવારે 4:30 વાગ્યા આસપાસ સ્કૂટર પર આવતા હતા ત્યારે એસ આર પી કેમ્પ ઘંટેશ્વર નજીક 150 ફૂટ ન્યુ રીંગ રોડ ઉપર સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું. પોલીસે વધુ પુછપરછ આદરી હતી. ત્રણેય વિદ્યાર્થી મારવાડીમાં એન્જીનીયરિંગનો અભ્યાસ કરતા હોવાનું અને રતન પર ગૌરીદળ આસપાસની કોઈને સોસાયટીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ