રાજકોટમાં પારો 44 ડીગ્રીની નીચે ઉતરતો જ નથી, શહેર બની રહ્યુ છે અગનભઠ્ઠી
હવામાન ખાતાએ હજુ પણ આગામી ત્રણ દિવસ આપ્યુ ઓરેન્જ એલર્ટ, પારો રહેશે 44 થી 45 ડીગ્રી વચ્ચે
રાજકોટમાં સુર્યપ્રકોપથી લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરે 1 થી 4 કે 5 વાગ્યા સુધી તો ખુલ્લા આકાશ નીચે નીકળવુ એટલે જીંદગી સાથે રિસ્ક લેવા જેવી હાલત થઇ જાય છે. મંગળવારે સતત ત્રીજા દિવસે બપોરે ત્રણ વાગ્યે આકાશમાંથી 44 ડીગ્રી સાથે આગ વરસતા શહેરના અમુક વિસ્તારો સુમસામ ભાંસતા હતા. આભમાંથી વરસતી આવી અગનવર્ષામાં રાજકોટ શહેર સહિત જિલ્લામાં છેલ્લા એક માસમાં 98 રાહદારીઓ ચક્કર ખાઇને પડી જતા 108 એમ્બ્યુન્સ બોલાવીને સારવાર આપવી પડી હોવાની સતાવાર માહિતી છે. તો બીજીબાજુ ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે રહેતા પશુ-પક્ષીઓ માટે પણ હીટવેવ જીવલેણ નીવડતા તેના મૃત્યુના કિસ્સા વધ્યા છે. દરોજ 150થી 160 પશુ-પક્ષીઓ હીટવેવની ઝપટમાં આવીને સારવાર કરવા લઇ આવવામા આવતા હોવાની પણ સતાવાર માહિતી છે.
હવે તો સુરજ દેવતાને ખમૈયા કરવાનું કહેવુ પડે તેવી હાલત વચ્ચે રાજકોટ અગનભઠ્ઠામાં સેકાવા લાગ્યુ છે. રાજકોટ શહેર સહિત જિલ્લો અગનભઠ્ઠો બન્યુ હોય તેમ સુરજ ધોમધખતો તપી રહ્યો છે. સિઝનનું હાઇએસ્ટ તાપમાન 45.5 ડીગ્રીને વટી ગયુ છે. બપોરે 1 થી 4 સુધીમાં રિતસર ચામડી તમતમી ઉઠે તેવી લૂ ફૂંકાય રહી છે. આવ આકરા હીટવેવ વચ્ચે છેલ્લા એક માસમાં રાજકોટ શહેર સહિત જિલ્લામાં હીટવેવની ઝપટમાં આવી ગયા હોય તેવા 98 રાહદારીઓને 108 એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર આપવી પડી છે. બીજીબાજુ અબુલ પશુ-પક્ષીઓ પણ લૂમાં લપેટાઇ રહ્યા છે. વેટરનરી હોસ્પિટલમાં લૂ લાગવાથી 60થી 70 ટકા કેસ વધી ગયા છે. હાલ વેટરનરી હોસ્પિટલમાં રોજના 150થી 170 જેટલા પશુ-પક્ષીઓને સારવાર લઇ આવવામા આવતા હોવાનો સતાવાર આંકડો મળી રહ્યો છે.
દરમિયાન આજે મંગળવારે સતત ત્રીજા દિવસે રાજકોટમાં ગરમીનો પાર 44 ડીગ્રીને આંબી ગયો છે. મનપાએ અલગ અલગ સ્થળે મુકેલા એન્વાયરમેન્ટ સેન્સરમાં આજે સૌથી વધુ ત્રિકોણબાગ ચોથી મનપાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરી એટલે કે ઢેબર રોડ પર 44 ડીગ્રી અંગ દઝાળતો તાપ વરસ્યો હતો. દરમિયાન મનપાએ ગઇકાલે યલ્લો એલર્ટ જાહેર કર્યા બાદ આજે ગાંધીનગર સ્થિત હવામાન કચેરીએ આગામી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ એટલે કે તાપમાન 44થી 45 ડીગ્રી વચ્ચે રહેશે તેવી ચેતવણી જાહેર કરી છે.
શહેરના અમુક વિસ્તારોમાં રોડ પરથી ડામર પીગળવા લાગ્યા
સતત 44 ડીગ્રી વરસતા તાપમાં ડામર રોડ પણ હવે ઝિંક જીલી શકતો નથી. ઉનાળા પહેલા બન્યા હોય તેવા જુના રોડ પરથી પણ ડામર ઓળગવા લાગ્યો છે. જ્યા નવા રોડ બન્યા છે ત્યા તો વાહનના ટાયરમાં ડામર જામી જાય તે રીતે ઓળગવા લાગ્યો છે. બીજીબાજુ રાહદારીઓ હીટવેવની લપેટમાં આવી જાય તેવા કેસ પણ વધતા જાય છે.
રોજના 100 જેટલા પશુ-પક્ષી-શ્ર્વાનના મોત
સુર્યદેવના પ્રકોપ વચ્ચે ખુલ્લા ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે રહેતા પક્ષી, શ્વાન અને નધણિયાતા ઢોર સહિતના અબોલ જીવ માટે હીટવેવ જીવલેણ પુરવાર થઇ રહ્યો છે. મૃત્યુદરમાં ચિંતાજનક વધારો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગરમીના પ્રચંડ પ્રકોપના કારણે રોજના 100 જેટલા પશુ-પક્ષી-શ્વાનના મોત થઇ રહ્યા છે. ડીહાઇડ્રેશનના કારણે પક્ષીઓ વૃક્ષ પરથી નીચે પટકાઇને મોત થતા હોય તેવા કિસ્સા પણ આ વખતે વધ્યા છે.
