લોનના હપ્તાની ઉઘરાણી કરવા ગયેલા બેંકના કલેકશન મેનેજર પર હુમલો

રાજકોટ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ

શહેરમાં લોનના હપ્તાની ઉઘરાણી કરવા ગયેલા બેંકના કલેક્શન મેનેજર અને તેમના સાથીદાર પર હુમલો થયાની ઘટના સામે આવી છે. લોન ધારક અને તેના સાથીદારોએ મળીને બેંક કર્મચારીઓને ઓફિસમાં પુરી દઈ, માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ આરકે નગર મેઇન રોડ રાપરા હાઉસમાં રહેતાં અને ડો. યાજ્ઞિક રોડ પર એચડીબી બેંકમાં ફાયનાન્સ ઓફિસમાં કલેક્શન મનેજર તરીકે નોકરી કરતાં હરપાલસિંહ પ્રદીપસિંહ જાડેજાની ફરિયાદ પરથીઓજસ ઓરા કોમ્પલેક્ષમાં બેસતાં યોગેશ ઉમરેટીયા, શ્ર્વેત ઉમરેટીયા, પ્રશાંત ચોવટીયા સહિતની સામે ગુનો દાખલ કર્યો છે. હરપાલસિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 11 મે 2026ના રોજ આ ઘટના બની હતી. શ્ર્વેત ચોવટીયા નામના વ્યક્તિએ બેંકમાંથી 3 લાખની લોન લીધી હતી, જેમાં યોગેશ ઉમરેટીયા જામીનદાર (ગેરેન્ટર) હતા. લોનના ત્રણ હપ્તા ચડી ગયા હોવાથી બેંકના કર્મચારી જયદીપભાઈ ડવ ઉઘરાણી માટે ગયા હતા.
આ પછી જ્યારે ઉઘરાણી બાબતે વાતચીત કરવા માટે ફરિયાદી હરપાલસિંહ મટુકી ચોક પાસે આવેલી ખોડલ એન્ટરપ્રાઈઝ નામની ઓફિસે પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર આરોપીઓ શ્ર્વેત ચોવટીયા, યોગેશ ઉમરેટીયા અને પ્રશાંત ચોવટીયા તેમજ અન્ય 4-5 અજાણ્યા માણસોએ ઉશ્ર્કેરાઈ જઈ ગાળાગાળી શરૂૂ કરી હતી. આરોપીઓએ ઓફિસનો દરવાજો બંધ કરી દઈ હરપાલસિંહને પકડી રાખ્યા હતા અને પ્રશાંત ચોવટીયાએ કોઈ વસ્તુ વડે હરપાલસિંહના માથા તથા નાકના ભાગે ઘા ફટકારતા તેઓ લોહીલુહાણ થયા હતા. તેમજ માર મારતી વખતે આ લોકોને જીવતા નથી છોડવા તેવી ધમકી પણ આપી હતી.

રિલેટેડ ન્યૂઝ