નવાગામમાં કોન્સ્ટેબલ પર હુમલો કરી બે શખ્સોએ મોબાઈલ લૂંટયો

112 વાનના પોલીસમેનને કેમ મોડા આવ્યા કહી લમધાર્યા

કુવાડવા રોડ પોલીસ મથકમાં જનરક્ષકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કોલ વાળી જગ્યા નવાગામ પર પહોંચ્યા નામચીન શખ્સોએ તમે કેમ મોડા આવ્યાં કહીં પોલીસને જ ધક્કે ચડાવી ફરજમાં રુકાવટ કરી હતી. જે અંગે લૂંટ, ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી. બનાવ અંગે મવડી ફાયરબ્રિગેડ પાસે માયાણીનગરમાં રહેતાં અને કુવાડવા રોડ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિશાલભાઈ વઘાસીયાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંજય ઉર્ફે ટકો રોજાસરા, દિપક પલારીયા (રહે. બંને રંગીલા સોસાયટી, નવાગામ, રાજકોટ) નું નામ આપતાં કુવાડવા રોડ પોલીસે લૂંટ, ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા બે વર્ષથી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને આઠેક મહીનાથી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફાળવેલ 112 જનરક્ષક બેડી ગામ ખાતેની ગાડીમાં ફરજ બજાવે છે. 112 જનરક્ષકમાં એક મોબાઇલ ફોન ફાળવેલ છે, જેમા જનરક્ષક કંટ્રોલ તરફથી કોઈ કોલ આવે તો તુરંત રવાના થઇએ છીએ અને કોલ પુરો કરી બાદ તે મોબાઇલ ફોનમાં કોલ પુરો કરેલની એન્ટ્રી કરે છે. ગઇ રાતે 12 વાગ્યાથી આજે સવારના 08 વાગ્યા સુધીની નોકરી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે ફાળવેલ 112 જન રક્ષક બેડી ગામ ખાતેની હતી. ફરજ દરમ્યાન સાથે ડ્રાઇવર તરીકે પ્રભાતભાઈ બકુતરા હતા. ફરજ દરમ્યાન 10:28 વાગ્યે 112 જન રક્ષક કંટ્રોલ તરફથી કોલ આવેલ જેમા દીપકભાઇએ કોલ કરેલ હતો.જે કોલ મિલકત સંબંધિતનો હોવાનુ જણાવેલ જેથી રાજકોટ- અમદાવાદ હાઇવે રોડ ઉપર પટેલ વિહાર રેસટોરન્ટ પાસે હતા.ત્યાથી કોલ મળતાની સાથે 10:29 વાગ્યે રવાના થયેલ અને ચાલુ ગાડીએ કોલ કરનાર દિપકભાઈને ફોન કરી શુ બાબતે કોલ કરેલ તે બાબતે પુછતા તેઓના ઘર પાસે અમુક લોકો ઝઘડો કરવા આવેલ હોવાનુ જણાવેલ હતું. જેથી તેના ઘરનુ સરનામું પુછતા નવાગામ આણંદપર રંગીલા સોસાયટી હોવાનું જણાવેલ. જે બાબતે રાજકોટ સીટી પોલીસ કંટ્રોલરૂૂમ ખાતે 10:31 વાગ્યે એન્ટ્રી પડાવી અને 10:35 વાગ્યે કોલવાળી જગ્યા નવાગામ આણંદપર રંગીલા સોસાયટી સોમનાથ રેસીડન્સીની સામે પહોચેલ અને કોલકરનાર દિપકભાઈને મળેલ અને તેનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ દિપક ઉર્ફે ભુરો પલારીયા હોવાનુ જણાવેલ હતું. તેઓને કોલ બાબતે પુછવા જતા તેઓએ કહેલ કે, તમે કેમ મોડા આવેલ. જેથી જણાવેલ કે,અમને કોલ મળતા તુરંત આવેલ છીએ, તેમ વાત ચાલુ હતી તે દરમ્યાન નવાગામ ખાતે રહેતો સંજય ઉર્ફે ટકો રોજાસરા ઘસી આવી બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગેલ હતો.જેથી આ સંજયને માથાકુટ કરવાની ના પાડતા તે વધુ ઝપાઝપી કરી ગાળો આપવા લાગેલ અને ફરીયાદી પાસે રહેલ રૂૂ.40 હજારનો આઇફોન મોબાઇલ લુંટીને કોલ કરનાર દિપક પલારીયા સાથે પોતાનુ એકસેસ લઇને ભાગી ગયેલ હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી પોલીસની ફરજમાં રુકાવટ કરનાર શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

રિલેટેડ ન્યૂઝ