રાજકોટમાં ખાનગી બસે સ્કુટરને ઠોકરે લેતા ધો.10ની છાત્રાનું મોત

નાનીબહેનને ઇજા થતા સારવારમાં ખસેડાઇ: પરિવાર શોકમાં ગરકાવ: ખાનગી બસના ચાલકની શોધખોળ

રાજકોટમાં રફતારનો કહેર યથાવત છે. જામનગર રોડ પર ખાનગી બસે સ્કુટરને ઠોકરે લેતા ધો.10ની છાત્રાનું કરૂણ મોત નીપજયું હતું. જયારે નાની બહેનને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાઇ છે. પોલીસે ફરાર ખાનગી બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં નાના મવા મેઈન રોડ પર આવેલા ભીમનગરમાં રહેતી તન્વીબેન દિનેશભાઈ વાઘેલા (ઉ.15) તેની નાની બહેન કાવ્યાબેન દિનેશભાઈ વાઘેલા (ઉ.10)ને સ્કુટરમાં બેસાડી જામનગર રોડ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી ખાનગી બસના ચાલકે સ્કુટરને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી બસ ચાલક નાસી છુટયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં અને ઈજાગ્રસ્ત બન્ને બાળાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ગંભીર રીતે ઘવાયેલી તન્વીબેન વાઘેલાનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક તન્વીબેનના પિતા હયાત નથી તન્વીબેન ત્રણ બહેનમાં વચેટ હતી. તન્વીબેન ધો.10માં અભ્યાસ કરતી હતી જ્યારે ગંભીર રીતે ઘવાયેલા કાવ્યાબેન ધો.7માં અભ્યાસ કરે છે. તન્વીબેનના માતા નિશાબેન અને તેની મોટી બહેન દર્શનાબેન જામનગર રોડ પર આવેલી હોટલ ખાતે જમવા જવા માટે ઘરેથી રીક્ષામાં નીકળ્યા હતાં. જ્યારે તન્વીબેન વાઘેલા પોતાની નાની બહેન કાવ્યાબેન વાઘેલાને સ્કુટરમાં બેસાડીને જમાવા નીકળી હતી. તે દરમિયાન ખાનગી બસના ચાલકે સ્કુટરને ઉલાળતાં જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું અને કાવ્યાબેનની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા ખાનગી બસના ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
એઇમ્સમાં નોકરીની પુછપરછ કરવા જતી મહીલાનું સ્કુટર સ્લીપ થતા મોત
પરા પીપળીયા વિસ્તારમાં આવેલ 25 વારિયામાં રહેતી મિતલબેન રામભાઈ કશ્ર્યપ નામની 39 વર્ષની પરિણીતા ગત તા.9ના રોજ સવારના દસેક વાગ્યાના અરસામાં પરા પીપળીયાથી એઇમ્સ હોસ્પિટલ જવાના રસ્તે પોતાનું સ્કૂટર લઈને જઈ રહી હતી ત્યારે સ્કૂટર સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી મિતલબેન કશ્ર્યપને તાત્કાલિક સારવાર માટે એઇમ્સ બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મિતલબેન કશ્ર્યપનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મિતલબેન કારડીયાને છેલ્લા સાત વર્ષથી રાણાવાવના વાસજાળીયા ગામના નિલેશ રણછોડભાઈ ચૌહાણ સાથે પ્રેમ સંબંધ છે અને છેલ્લા દોઢ માસથી પરા પીપળીયા ખાતે પ્રેમી નિલેશભાઈ ચૌહાણ સાથે રહેતી હતી. મિતલબેન કશ્ર્યપ પોતાનું સ્કૂટર લઈ એઇમ્સ હોસ્પિટલ ખાતે નોકરીની પૂછપરછ કરવા જતી હતી ત્યારે સાથે જઇ રહેલા હીરાભાઈ (ઉ.વ.50)ના બાઈકનું હેન્ડલ મિતલબેનના સ્કૂટરના હેન્ડલ સાથે અથડાતા સ્કૂટર અને બાઈક સ્લીપ થયા હતા જેમાં મિતલબેન, હીરાભાઈ, નિલેશ ચૌહાણના માસીના દીકરા પકો સંજયભાઈ બારૈયા અને એક દસ વર્ષના બાળકને ઇજા પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલા મિતલબેન કશ્ર્યપનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ