રાજકોટના કેવડાવાડીમાં 19 વર્ષ પૂર્વેની હત્યામાં વોન્ટેડ ચોકીદાર મુંબઇથી ઝડપાયો

2007માં પ્રેમસંબંધ મામલે ભાવેશ રાજપુત નામના યુવકની 3 નેપાળી શખ્સોએ કરી હતી હત્યા

શહેરના કેવડાવાડીમાં રહેતી એક મહિલાના પ્રેમીની 19 વર્ષ પૂર્વે થયેલી હત્યામાં છેલ્લા 19 વર્ષથી ફરાર ચોકીદારને ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈ ના પનવેલ ખાતેથી ઝડપી લઇ પ્રશંસનીય કામગીરી કરી છે. કેવડાવાડીના 19 વર્ષ જૂના સનસનાટીભર્યા હત્યાની ઘટનાનો ભેદ આખરે 19 વર્ષે ઉકેલાયો છે. આ હત્યા કેસમાં હજુ બે આરોપી ફરાર હોય તેને પણ પકડી પાડવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ વર્ષ 2007માં રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં રહેતી મંજુલા નામની મહિલા સાથે પ્રેમ સંબંધ ધરાવતા ભાવેશ રાજપૂત નામના યુવાનની હત્યા થઇ હતી અને ભાવેશની લાશ ગેસફોર્ડ સિનેમા સામે આવેલા વોકળા માંથી મળી હતી. આ હત્યા કેસની તપાસમાં જાણવા મળ્યું કે, આ હત્યા કેવડાવાડીમાં રહેતી મંજુલાના ફ્લેટમાં રહેતા મૂળ નેપાળના ચોકીદાર કિશન ખોજીરામ ચૌધરી અને તેના બે નેપાળી મિત્રોએ કરી હતી. દારૂ પી આવનાર નવાર મંજુલાને હેરાન કરતા ભાવેશનો કાંટો કાઢવા મંજુલાએ કિશનને સોપારી આપી હતી. કિશન અને અન્ય બે નેપાળી શખ્સોએ ભાવેશ ની નિર્મમ હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને ગેસફોર્ડ સિનેમા સામે આવેલા વોકળામાં ફેંકી દેવામાં આવી હતી. ભાવેશ નામનો યુવક રહસ્યમય રીતે ગુમ થયો હતો, જેની જાણ તેના પરિવારે પોલીસને કરી હતી. પોલીસ તપાસમાં ભાવેશનું છેલ્લું લોકેશન તેની પ્રેમિકા મંજુલાના ઘર પાસે મળી આવ્યું હતું. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે ભાવેશ ગુમ થયો તે જ સમયે મંજુલાના ફ્લેટનો ચોકીદાર કિશન પણ ગાયબ હતો. આ શંકા ત્યારે સાચી સાબિત થઈ જ્યારે પોલીસને ગેસફોર્ડ સિનેમા સામે આવેલા વોકળા માંથી ભાવેશની લાશ મળી આવી. આ ગંભીર ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી કિશન છેલ્લા 19 વર્ષથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો. રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝા અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવની ટીમના પી.એસ.આઈ. આર.કે. ગોહિલની ટીમે ટેકનિકલ એનાલીસીસ દ્વારા તપાસ હાથ ધરતા માલૂમ પડ્યું હતું કે આરોપી કિશન મહારાષ્ટ્રના નવી મુંબઈમાં વસવાટ કરી રહ્યો છે. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પનવેલમાં વેશપલટો કરી વોચ ગોઠવી હતી. અંતે સ્થાનિક પોલીસની મદદથી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. મૂળ નેપાળનો વતની કિશન ખોજીરામ ચૌધરી (ઉંમર 43 વર્ષ) નવી મુંબઈમાં તે પી.એમ.સી. માં નોકરી કરતો હતો.ભાવેશની હત્યા બાદ આ સફળ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ. જાદવ, પી.એસ.આઈ. આર.કે.ગોહિલ તથા એ.એસ.આઈ. વિજયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ સુભાષભાઇ ધોધારી, તુલશીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા, અશોક કલાલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, તુલશીભાઇ ચુડાસમા, મુકેશભાઈ સબાડએ કામગીરી કરી હતી.

ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ દિવસ વેશપલટો કરી હત્યારાને દબોચ્યો

19 વર્ષ પહેલાં થયેલી હત્યાના એક ચકચારી કેસમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને મુખ્ય આરોપી કિશન નેપાળીને નવી મુંબઈથી ઝડપી લીધો છે. ક્રાઈમ બ્રાંચના એ.એસ.આઈ. વિજયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ સુભાષભાઇ ધોધારી, તુલશીભાઇ ચુડાસમા અને કોન્સ્ટેબલ સંજયભાઇ ખાખરીયાએ સતત ત્રણ દિવસ સુધી વેશપલટો કરીને આરોપીની હિલચાલ પર નજર રાખી હતી અને અંતે તેને કાયદાના સકંજામાં લીધો હતો. આરોપી કિશન ખોજીરામ ચૌધરી નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં છુપાયો હોવાની ચોક્કસ ટેકનિકલ માહિતી મળતા જ પી.એસ.આઈ. આર.કે. ગોહિલની ટીમ મહારાષ્ટ્ર રવાના થઈ હતી. આરોપી ઓળખી ન જાય તે માટે ક્રાઈમ બ્રાંચની ટીમે સતત ત્રણ દિવસ સુધી અલગ-અલગ વેશ ધારણ કરીને પનવેલના નૌપાડા ગાવ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ટીમે ખાનગી રાહે તપાસ કરી ખાતરી કરી હતી કે પનવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન માં નોકરી કરતો આ શખ્સ એ જ 2007નો મર્ડર કેસનો આરોપી કિશન છે. પૂરી તૈયારી બાદ તેને ઝડપી લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ