શ્રમિક પરિવારની બે દિકરીઓના મોતથી પરિવારમાં અરેરાટી
રાજકોટના જામનગર રોડ પર જલારામ હોટલ પાસે સર્જાયેલા ભયાનક હિટ એન્ડ રનની ઘટનામાં આજે વધુ એક કરૂૂણ સમાચાર સામે આવ્યા છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી 10 વર્ષીય માસૂમ બાળા કાવ્યા વાઘેલાનું પણ ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, તેની 15 વર્ષની મોટી બહેન તન્વીનું ગઈકાલે સવારે જ મોત નિપજ્યું હતું. આમ, એક જ અકસ્માતમાં ભીમનગર પરિવારની બે સગી બહેનોના કરૂૂણ મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારમાં હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે.
ઘટનાની વિગત મુજબ, નાના મવા રોડ પર ભીમનગરમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા નીશાબેન વાઘેલાની ત્રણ દીકરીઓએ હોટલમાં જમવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માતા નીશાબેન અને મોટી દીકરી દર્શના રિક્ષામાં હોટલ જવા રવાના થયા હતા, જ્યારે 15 વર્ષની તન્વી અને 10 વર્ષની કાવ્યા ટુ-વ્હીલર પર પાછળ આવી રહી હતી. જલારામ હોટલ નજીક પૂરપાટ ઝડપે આવતા એક ખાનગી બસના ચાલકે આ બંને બહેનોના વાહનને જોરદાર ઠક્કર મારી હતી. અકસ્માત બાદ બસ ચાલક માનવતા નેવે મૂકી વાહન સાથે નાસી છૂટ્યો હતો. ગંભીર હાલતમાં બંને બહેનોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેમને બચાવવા પૂરતા પ્રયાસો કર્યા હતા.
પરંતુ ગંભીર ઈજાઓને કારણે પ્રથમ તન્વીએ અને ત્યારબાદ આજે કાવ્યાએ દમ તોડી દીધો છે. નીશાબેન, જેમના પતિનું અગાઉ જ અવસાન થયું છે, તેમણે બે જ દિવસમાં પોતાની બે આધારસ્તંભ સમાન દીકરીઓ ગુમાવતા હોસ્પિટલ પરિસરમાં કરૂૂણ દ્રશ્ર્યો સર્જાયા હતા. તન્વીએ આ વર્ષે જ ધોરણ-10ની પરીક્ષા આપી હતી, જ્યારે નાની બહેન કાવ્યા ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. ગાંધીગ્રામ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધવા સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ખાનગી બસના ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
