પડધરીના ખોખરી ગામ નજીક પરપ્રાંતિય યુવકની હત્યા કરેલ લાશ મળી

મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યા કોણે અને શા માટે કરી તે અંગે તપાસ શરૂ

રાજકોટ નજીક પડધરી તાલુકાના ખોખરી ગામની સીમમાં આજે સવારના સમયે એક પરપ્રાંતીય યુવાનની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ યુવાન પરપ્રાંતીય હોવાનું જણાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પડધરી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની ઓળખ મેળવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોટર્મ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, પડધરી તાલુકાના ખોખરી ગામની સીમમાં આજે વહેલી સવારે સ્થાનિક લોકોએ એક અજાણ્યા યુવાનનો રકત રંજીત મૃતદેહ જોયો હતો. આ અંગેની જાણ તુરંત જ ગ્રામજનો દ્વારા પડધરી પોલીસ મથકને કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પડધરી પોલીસ સ્ટેશનના પી.આઈ મયુર ચૌહાણ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવાન પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. મૃતકના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે આ એક પૂર્વઆયોજિત હત્યાનો ગુનો હોઈ શકે છે. મૃતક યુવાનની ઉંમર આશરે 30 થી 35 વર્ષની વચ્ચે હોવાનું અનુમાન છે અને તે પરપ્રાંતીય મજૂર હોવાનું જણાય છે. જોકે, તેની પાસેથી કોઈ પણ પ્રકારના ઓળખના પુરાવા મળી આવ્યા નથી. આથી, પોલીસે આસપાસના કારખાનાઓ, ખેતરો અને મજૂર વસાહતોમાં તપાસ તેજ કરી છે. ગુમ થયેલા વ્યક્તિઓની વિગતો મેળવીને મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. હત્યા પાછળનું કારણ શું હોઈ શકે? શું આ અંગત અદાવત છે કે પછી કોઈ અન્ય વિવાદ? તે દિશામાં તપાસ કરવા માટે વૈજ્ઞાનિક પુરાવા અત્યંત જરૂૂરી છે. આથી, પડધરી પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. અહીં ફોરેન્સિક લેબોરેટરીના નિષ્ણાતોની દેખરેખ હેઠળ ’ફોરેન્સિક પીએમ’ કરવામાં આવશે, જેથી હત્યા કયા સમયે થઈ અને કયા હથિયારનો ઉપયોગ થયો તે જાણી શકાય. આ કેસમાં પડધરી પોલીસે મૃતકની ઓળખ મેળવ્યાં બાદ આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ અલગઅલગ ટીમો બનાવવામાં આવી છે અને હત્યાનો ભેદ ઉકેલવા અને મૃતકની ઓળખ મેળવવા ખોખરી ગામ તરફ આવતા- જતા રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.તેમજ વિસ્તારમાં એક્ટિવ રહેલા મોબાઈલ ટાવર્સના ડેટા દ્વારા કોઈ શંકાસ્પદ હિલચાલ જાણી શકાય તે માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવાઈ રહી છે.પડધરી પોલીસે આ મામલે ગામના લોકો અને વાડી માલિકોની પૂછપરછ કરી કોઈ શંકાસ્પદ વાહન કે વ્યક્તિ જોવા મળી હતી કે કેમ તેની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. પડધરી પંથકમાં આ રીતે ધોળે દિવસે હત્યાનો બનાવ સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ મૃતકની ઓળખ મેળવીને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ