બાળકોનાં શૈક્ષણીક પાયાને મજબૂત બનાવવા ભાર મૂકાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ આંગણવાડી કેન્દ્રોમાં તા.18 અને 19ના રોજ આંગણવાડી પ્રવેશોત્સવ 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી કમિશનર સી. કે. નંદાણી તથા આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વધુમાં વધુ બાળકોને આંગણવાડી સેવાઓ સાથે જોડવાનો, વાલીઓમાં બાળ વિકાસ અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ
લાવવાનો તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે મજબૂત પાયો તૈયાર કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે તેમજ વાલીઓને આંગણવાડીમાં મળતી વિવિધ સેવાઓ, સુવિધાઓ અને સરકારની બાળકલ્યાણ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. પ્રવેશોત્સવ
દરમિયાન નાના બાળકો માટે શૈક્ષણિક, સર્જનાત્મક અને રમૂજી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે જેથી બાળકો આનંદમય વાતાવરણમાં શિક્ષણ તરફ આકર્ષાય. સાથે સાથે વાલીઓને બાળકના પ્રાથમિક વિકાસમાં આંગણવાડીની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માહિતગાર કરવામાં આવશે.
