લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક અને રાજકોટવાસીઓના દુ:ખહર્તા એવા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના મંગલમય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) આજે ભારત સરકાર હેઠળના રાજકોટ આવકવેરા વિભાગના મુખ્ય આયકર આયુક્ત સતીશ કુમાર ગોયલ ચીફ ગેસ્ટ તરીકે દર્શનાર્થે પહોંચ્યા હતા. આ વિશેષ મુલાકાત દરમિયાન રાજકોટ ઇન્કમટેક્સ વિભાગના ચીફ કમિશનર શ્રી સતીશ કુમાર ગોયલ અને તેમના પી.એ. શ્રી પ્રજ્ઞેશભાઈ રાઉતે મંદિરમાં ઉપસ્થિત રહીને બાલાજી મહારાજના દિવ્ય દર્શન કર્યા હતા અને અત્યંત ભક્તિભાવપૂર્વક દાદાની મંગલમય સંધ્યા આરતીનો લ્હાવો લીધો હતો.
સરકારી કામગીરીની અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ શ્રી સતીશ કુમાર ગોયલે આસ્થાભેર સમય ફાળવીને દાદાના ચરણોમાં વંદના કરી પરમ ધન્યતા અને શાંતિની અનુભૂતિ કરી હતી. મંદિરના આયોજક મહંતશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી શ્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી દ્વારા આ બંને મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
