નીટ પેપરકાંડમાં પીડીત વિદ્યાર્થીઓને વળતર ચૂકવવા વાલી મંડળની માંગણી

જવાબદારો સામે દાખલા રૂપ કાર્યવાહી કરવા રજૂઆત

નીટ પેપરલીક મામલે દેશભરમાં વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે અને દિલ્હીમાં ભારે દેખાવો યોજાયા છે ત્યારે રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ ઊંડા આઘાતની લાગણી સાથે આક્રોશ વ્યક્ત કરી આ કૌભાંડમાં સંડોવાયેલા તમામને દાખલારૂપ સજા કરવા અને વિદ્યાર્થીઓને આર્થિક વળતર સહિત ન્યાય આપવા સરકાર અને સત્તાધીશો સમક્ષ માંગણી કરે છે. રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી એડવોકેટ નયનભાઈ કોઠારી તથા સહમંત્રી જીતુભાઈ લખતરીયાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, નીટ પેપરલીકનો પ્રથમ સેટ નાસિકમાં છપાયો હતો અને પાંચ રાજ્યોમાં આ પેપર વેચાયું હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, રૂા. 60 લાખમાં પેપર વેચાયું હતું જેમાં 120 પ્રશ્ર્નો બેઠા પૂછાયા હતા. આ ઘટનાને કારણે લાખો વિદ્યાર્થીઓના તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની મહેનત પર પાણી ફરી વળ્યું છે. વાલી મહામંડળ માંગણી કરે છે કે સરકાર માત્ર રજીસ્ટ્રેશન ફી માફીની જાહેરાત ન કરે, પરંતુ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાનું ભાડું, રહેવા- જમવાનો ખર્ચ અને વાલીઓ સાથે ગયા હોય તો તેમનો ખર્ચ પણ ગણીને યોગ્ય સંતોષકારક આર્થિક વળતર ચૂકવવું જોઈએ. આ ઉપરાંત ભવિષ્યમાં લેવાનાર પરીક્ષાઓ માટે વાહન વ્યવહાર સહિતની તમામ સુવિધાઓ મફત પૂરી પાડવી જોઈએ. નીટમાં વારંવાર થતી આવી ઘટનાઓથી વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્ર્વાસ ડગી ગયો છે. ડબલ એન્જિન સરકાર હોવા છતાં આંતરરાજ્ય માફિયાઓ કેવી રીતે સક્રિય છે તે ચિંતાનો વિષય છે. સરકારે શિક્ષણમાંથી માફિયાઓને મળતું રક્ષણ બંધ કરી અગાઉના પેપર લીકના આરોપીઓને શું સજા થઈ તે જાહેર કરવું જોઈએ.

રિલેટેડ ન્યૂઝ