ભારાવિની સાહિત્ય સંગોષ્ઠિમાં સાહિર લુધિયાનવી ચં.ચી. મહેતા, અનંતરાય ઉપાધ્યાય છવાયા

જયંત પીઠડીયાએ સાહિરની કવિતાઓનું રસપાન કરાવ્યું: કૌશિક સિંધવે ચં.ચી.મહેતા વિષે, હર્ષદભાઇ ઉપાધ્યાયે અનંતરાય અંતર્ગત વકતવ્ય આપ્યું

ભારવિ મણકો-51મા સંજય ઉપાધ્યાયના સંચાલનમાં બેઠકનો પ્રારંભ કરાયો. ગુજરાતના ઉત્તમ સર્જક અને નાટ્યકાર ચં.ચી. મહેતાની સવાશતાબ્દી ઉજવાઈ રહી છે એ અનુસંધાને કૌશિકભાઈએ ચં.ચી.ના ‘ગઠરિયાં’ અને અન્ય સાહિત્ય તથા જીવન વિશે વિશદ વક્તવ્ય આપ્યું. ત્યારબાદ એમના નાટક ‘ગુર્જરી’નો એક અંશ સાભિનય પ્રસ્તુત કરીને ઉપસ્થિત પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં. પછીના વક્તા હતા જાણીતા લેખક- પત્રકાર જયંત પીઠડીયા. સાહિત્ય-કલારસિક જયંતભાઈ પીઠડિયાએ વક્તવ્યમાં એમનો વિષય હતો ‘સાહિર લુધિયાનવીના ગીતો અને કવિતા.’ વિષે અસ્ખલિત હિંદી વક્તવ્યમાં હિંદી-ઉર્દૂના આ મહાન શાયરના જીવન-કવન અંગે વિપુલ માહિતિ આવરી લઈને તેમણે સરસ અને વિસ્તૃત આલેખ આપ્યો. પ્રસંગોપાત તેમનાં ગીતોની પંક્તિઓ અને શેર ટાંકીને તેમણે શાયરાના માહોલ ઉભો કર્યો. શ્રદ્ધા રાવલ જાણીતાં ચિત્રકાર, કવયિત્રી અને કલાભાવક છે. જાણીતા ચિત્રકાર અને કલાગુરુ નલિનભાઈ સૂચકે શ્રદ્ધાબેનનો પરિચય આપીને એમને આવકાર્યા. વિશ્વ માતૃદિન નિમિત્તે તેમણે હિંદીના જાણીતા કવિઓની અને પોતાની મા વિષયક કવિતાઓનું સુંદર પઠન કરીને બેઠકના વાતાવરણને આર્દ્ર બનાવ્યું અને સૌની પ્રશંસા ઝીલી. હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય હર્ષદભાઈ ઉપાધ્યાય 90 વર્ષની ઉંમરે ભારવિ મંચના સૌથી સિનિયર સભ્ય છે. તેમણે પોતાનાં દિવંગત નાના ભાઈ અનંતરાય વિશે એક દીર્ઘ સ્મૃતિલેખ લખ્યો છે જેની પ્રારંભિક વાત તેમણે કરી. આ લેખ અનંતરાય વાંચીને તેનું પરિશીલન કરીને આસ્વાદ સાથે અમુક અંશોનું વાચિકમ કર્યું વિશ્વેશ નેચરોપથી એન્ડ યોગ ઇન્સ્ટિટ્યુટના સંચાલિકા અને પ્રાધ્યાપિકા માધવીબેન પાઠકે. માધવીબેન એક ઉત્તમ વક્તા અને સભાસંચાલક હોવા ઉપરાંત ભાષાવિદ છે. તેઓએ લેખમાંના પ્રસંગો ટાંકીને સ્પષ્ટ કર્યું. જે માવિહોણા બાળકને લોકોએ તોફાની અને નકામો ગણાવેલો એ કુટુંબ અને સમાજની અન્ય માતાઓ દ્વારા સ્નેહ પામીને એક ઉદાત્ત મનુષ્યમાં રૂપાંતરિત થાય, ઉત્તમ શિક્ષણસંસ્થાઓમાં શિક્ષણ મેળવીને ઘસાતા જતા સામાજિક મૂલ્યોની સ્થાપનામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે એ ઘટના જ કેટલી પ્રેરણાદાયી છે.

રિલેટેડ ન્યૂઝ