રાજકોટ જિલ્લા ક્રાઇમ ડાયરી

97 હજારના દારૂ સાથે કાર પકડાઇ
શહેરની ભાગોળે રાજકોટ કુવાડવા હાઈવે પર ગુંદા ગામના પાટીયા પાસેથી પીસીબીની ટીમે બાતમીના આધારે 97 હજારનો દારૂ ભરેલી કાર સાથે જામનગરનાં શખ્સ સાથે ઝડપી લીધો હતો. પોલીસે કારમાંથી 288 બોટલ દારૂ કબજે કરી કુલ રૂા.4.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, પીસીબીના એએસઆઈ સંતોષભાઈ મોરી, હેડ કોન્સ્ટેબલ રાહુલગીરી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન કુવાડવા હાઈવે પર ક્રિષ્ના વોટર પાર્ક નજીક ગુંદા ગામના પાટીયા પાસે દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઉભો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કારમાં સવાર આકાશ હરીશભાઈ વસાણી (રહે. કડિયાવાડ જામનગર)ને ઝડપી લઈ કારની તલાસી લેતાં ડેકીમાંથી દારૂના 180 એમ.એલ.ના ચપલા ન.288 કિ.રૂા.97056 મળી આવતાં પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂા.447056નો મુદ્દામાલ કબજે કરી આરોપી આકાશ વસાણીની ધરપકડ કરી આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો અને કોને આપવાનો હતો ? સહિતની વિગતો મેળવવા પુછપરછ હાથ ધરી છે.
પ્રૌઢને માર મારી ધમકી આપતા ફરીયાદ
શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા પ્રૌઢા પાડોશીના ઘરે બેઠા હતાં ત્યારે તેજ વિસ્તારમાં રહેતા શખ્સે ઘરમાં ઘુસી ‘તારી દીકરી પોલીસમાં છે તો શું થયું, આજે તને પતાવ દઉ’ તેમ કહી માર મારી માથામાં પથ્થર ઝીંકી દીધો હતો અને મોબાઈલનો ઘા કરી તોડી નાંખ્યો હતો. આ અંગે પ્રૌઢાએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા ઝરીનાબેન ઠેબા તેમના પાડોશમાં રહેતા હમીદાબેન કાજીના ઘરે અન્ય મહિલાઓ સાથે બેઠા હતા, ત્યારે આરોપી અરબાઝ ત્યાં ધસી આવ્યો હતો અને બોલાચાલી શરૂૂ કરી હતી. આરોપીને તેની માસી રસીદાબેન ફરિયાદી સાથે સંબંધ રાખે તે પસંદ ન હોવાથી આ ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપી અરબાઝે ઘરમાં પ્રવેશ કરી ગાળાગાળી કરી હતી અને ફરિયાદીના હાથમાં રહેલો અંદાજે રૂૂ. 12,000 ની કિંમતનો મોબાઈલ ઝૂંટવી દીવાલ પર મારીને તોડી નાખ્યો હતો. એટલું જ નહીં, આરોપીએ વૃદ્ધાને ધમકી આપતા કહ્યું હતું કે, “તારી દીકરી પોલીસમાં છે તો શું થઈ ગયું, આજે તને પતાવી દઉં છું”. જ્યારે મહિલાઓએ તેને ઘરની બહાર કાઢ્યો, ત્યારે તે દીવાલ ઠેકીને ફરી અંદર આવ્યો હતો અને વૃદ્ધાના માથાના ડાબા ભાગે પથ્થરનો જોરદાર ઘા મારી લોહીલુહાણ કરી દીધા હતા. ઇજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બે વર્ષની બાળકીને સાવકા પિતાએ બીડીના ડામ દીધા
શહેર સમીપેનાં માધાપરમાં માનવતાને નેવે મૂકે તેવી દર્દનાક ઘટના સામે આવી છે, જેમાં સાવકા પિતા અને સગી માતાએ મળીને બે વર્ષની માસૂમ બાળકી પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે. બન્ને આરોપીની ધરપકડ થઇ છે. આ બનાવ અંગે માધાપર પોલીસ મથકે, પાડોશી મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી સાવકા પિતા અને સગી માતાએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી બે વર્ષની બાળકી પર અત્યાચાર ગુજારાવામાં તમામ હદ વટાવી હતી. સાવકા પિતાએ બાળકીને પકડી તેનું માથું દીવાલ સાથે જોરથી પછાડી દેતાં કપાળના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચી હતી. આટલું જ પૂરતું ન હોય તેમ આરોપીએ બાળકીને બીડીના ડામ દીધા હતા અને બચકાં પણ ભર્યાં હતાં. આ ક્રૂર અત્યાચારમાં સગી માતાએ પણ પુત્રીને બચાવવાના બદલે તેને માર મારી પતિનો સાથ આપ્યો હતો. આ દર્દનાક બનાવ અંગે માધાપર પોલીસે ગંભીરતા દાખવી બન્ને આરોપી સામે હત્યાનો પ્રયાસ, પોકસો, જાતિય ગુનાઓ સામે બાળકોનું રક્ષણ, બાળકો પ્ર્રત્યે ક્રૂરતા જેવી કલમો તળે ગુનો દાખલ કરી તપાસ પી.આઇ. એ.કે. જાડેજાએ હાથ ધરી હતી. તપાસકર્તાનો સંપર્ક સાધતાં આ બનાવમાં આરોપી સાવકા પિતાની ગઇકાલે અને માતાની આજે અટક કરી લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
ઝઘડો જોવા જતા યુવકને છરી ઝીંકી
રાજકોટના મવડી હેડ ક્વાર્ટર પાસે આવેલા પાવર હાઉસ નજીક સાંજના સમયે એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક નિર્દોષ શ્રમિક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. ભારત નગર વિસ્તારમાં રહેતા અને મૂળ ઓડિશાના વતની કવિરાજ બિનિયા (ઉંમર વર્ષ 27) નામના યુવાન પર અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. કવિરાજ વ્યવસાયે સેન્ટીંગ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બનાવની વિગત મુજબ, ગઈકાલે સાંજે આશરે 4:30 વાગ્યાના અરસામાં કવિરાજ મવડી હેડ ક્વાર્ટર નજીક પાવર હાઉસ પાસે બેઠો હતો, ત્યારે નજીકમાં કોઈ બાબતે ઝઘડો થઈ રહ્યો હતો. કુતૂહલવશ આ ઝઘડો જોવા ગયેલા કવિરાજ પર અચાનક જ અજાણ્યા શખ્સો તૂટી પડ્યા હતા અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. હુમલાના પગલે લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે યુવાન માત્ર ઝઘડો જોવા ગયો હતો અને હુમલાખોરો સાથે તેને કોઈ સીધી દુશ્ર્મનાવટ નહોતી. હાલમાં તાલુકા પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ