ગોંડલના વેપારી ઉપર ઘાતક હુમલો કરનાર ત્રણ આરોપી મુંબઇથી પકડાયા

દુકાન ખાલી કરાવવા લોખંડના પાઇપ સહીતના હથિયારોથી વેપારી પર કર્યો હતો હુમલો: મુખ્ય આરોપી બીટુ જાડેજા સામે પ્રોહિબીશન, મિલ્કત સંંબંધી અત્યાર સુધીમાં નોંધાયા છે નવ ગુના

આરોપીઓ સતત બે મહિનાથી શહેરો બદલાવી નાસતા ફરતા હતા

ગોંડલ શહેરમાં એક વેપારીની દુકાન બળજબરીથી પડાવી લેવાના ઇરાદે વેપારી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરી છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા ત્રણ કુખ્યાત આરોપીઓને રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલની નાની બજારમાં આવેલ ’કલા નિકેતન નોવેલ્ટી સ્ટોર’ નામની પાઘડી પનાની દુકાન ખાલી કરાવવા માટે આરોપી ભર્ગરાજસિંહ ઉર્ફે બીટુ જાડેજા તથા તેની સાથે રહેલા જયરાજસિહ જાડેજા અને વિરાગસિંહ જાડેજાએ વેપારી ગૌરવભાઈ જોશી પર દબાણ કર્યું હતું. વેપારીએ દુકાન ખાલી કરવાની સ્પષ્ટ ના પાડતા, આરોપીઓએ ધુળેટીની રાત્રીનાં કૈલાશ કોમ્પ્લેક્ષમાં લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે આડેધડ માર માર્યો હતો. આ હુમલામાં વેપારીને બંને હાથ અને પગમાં ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. આ સમયે વેપારીને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર હરદીપભાઈને પણ આરોપીઓએ માર મારી હાથમાં ફ્રેક્ચર કર્યું હતું. આ ગંભીર બનાવ અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ ગુનો કર્યા બાદ આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા અને ગોંડલ કોર્ટે તેમની સામે વોરંટ પણ ઇશ્યૂ કર્યા હતા. રાજકોટ રેન્જ ઉઈંૠ નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય જઙ વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે કઈઇ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણાને બાતમી મળી હતી કે આરોપીઓ મુંબઈ નાં સાંતાક્રુઝ વિસ્તાર માં એક હોટેલ માં છુપાયેલા છે. આ માહિતીના આધારે તાત્કાલિક કઈઇ ની ટીમ મુંબઈ (મહારાષ્ટ્ર) પહોંચી હતી અને ત્રણેય આરોપીઓને એક હોટલમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે ગોંડલ એ’ડિવીઝન પોલીસને સોંપી દીધા છે. ઝડપાયેલા આરોપીઓમાં ગોંડલ રેલ્વેસ્ટેશન પાસે રહેતાં ભર્ગરાજસિંહ ઉર્ફે બીટ્ટુ રઘુરાજસિંહ જાડેજા, જયરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા, વિરાગસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નો સમાવેશ થાય છે.
પકડાયેલા આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવે છે. મુખ્ય આરોપી ભર્ગરાજસિંહ ઉર્ફે બીટુભા જાડેજા સામે અગાઉ ગોંડલ સિટી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મારામારી, ધમકી આપવી, એટ્રોસિટી અને દારૂબંધી ભંગ (પ્રોહીબીશન) સહિતના કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે અન્ય આરોપીઓ સામે પણ અગાઉ ગુના નોંધાયેલ છે. આ કામગીરીમાં કઈઇ પી.આઈ. જે.પી. રાવ, પી.એસ.આઈ. એચ.સી. ગોહિલ સહિત કઈઇ શાખાનો અન્ય પોલીસ સ્ટાફ જોડાયો હતો.

રિલેટેડ ન્યૂઝ