ધોરાજીના ફરેણી પાસે ખનીજચોરી ઝડપાઇ: 19 લાખનો મુદ્દામાલ કબજે

મામલતદાર રૂબરૂ ત્રાટકયા ત્યારે તળાવમાંથી મોરમ ટ્રેકટરમાં ભરાતી હતી

ધોરાજી ઉપલેટા વિસ્તાર ખનીજ ચોરી માટે કુખ્યાત છે. ભાદર નદી હોય તો રેતી ચોરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માટી અને મોરમ ની ખનીજ ચોરી કોઈ નવી ઘટના નથી. અગાઉ પ્રાંત અધિકારી ગોવિંદસિંહ રાઠોડ અને મામલતદાર કે. ટી. જોલાપરા એ દોઢ વર્ષ દરમિયાન પાંચ થી સાત કરોડની ખનીજ ચોરી ઝડપી હતી. પરંતુ આ અધિકારીઓની બદલી બાદ અન્ય અધિકારીઓ એ ખનીજચોરી મામલે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી.
ત્યારે ગતરોજ ધોરાજી મામલતદાર અને કચેરી નો સ્ટાફ ફરેણી ગામ તરફ પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન મામાદેવ મંદિર નજીક તળાવ માં મોરમ માટેની ની ગેરકાયદેસર રીતે ચોરી થતી જાતે જ નિહાળી હતી. અને એ જ સમયે ત્યાં ખનીજ ચોરી માં ઉપયોગ લેવાયેલ ટ્રેક્ટર અને જેસીબી અને મોરમ, માટી સહિત સાધનો કબજે કર્યા હતા અને રંગેહાથ ખનીજચોરી ઝડપાઇ હતી.
મળતી વિગતો અનુસાર જેમાં રોયલ્ટી પાસ કે જરૂરી દસ્તાવેજો કે આધાર પુરાવા વગર મંજૂરી લીધા વગર નાં ટ્રેકટર જેસીબી મશીન વડે મોરમ માટીનું ગેરકાયદે ખનન કરી રહ્યા હતા. ઝડપાયેલ મુદામાલ જેની કિંમત આશરે 19,10,000 જપ્ત કરી ને સીઝ કરાયો હતો. અને ધોરાજી તાલુકા પોલીસ ને સોંપવામાં આવ્યો હતો.
ધોરાજી તાલુકા વિસ્તારમાં ખનીજ ચોરી ઝડપાઈ અને સાધન સરંજામ ઝડપાયા પરંતુ હજુ સુધી ખનીજ ચોરી કોણ કરી રહ્યું હતું કે કોના ઓઠા હેઠળ ગેર કાયદે ખનીજ ખનન ચાલી રહ્યું હતું તે વિશે તંત્ર દ્વારા કોઈ પ્રકારની વિગતો આપવામાં આવી નથી. આ ખનીજચોરી મામલે ખનીજ વિભાગ અને મામલતદાર દ્વારા મૂળ સુધી તપાસ કરવામાં આવશે કે કેમ ? કે પછી માત્ર દંડ આપી પ્રકરણ પૂરું કરાશે? આ ખનીજ ચોરી આ વિસ્તારમાં કેટલા સમય થી ચાલતી હતી ? અને કોના દ્વારા ચાલતી હતી? કેટલા ઘન મીટર માટી, મોરમ ની ચોરી કરવામાં આવી છે સહિતના અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ખનીજ ચોરીમાં મોટા માથા હોવાની ચર્ચા ઉઠી રહી છે.

રિલેટેડ ન્યૂઝ