ત્રિકોણબાગ ખાતે ધરણા કરી રામધૂન બોલાવી સરકાર પર આકરા પ્રહાર
રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ મનપા તંત્ર દ્વારા રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં વર્ષોથી લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહેલા નાના મંદિરો, હનુમાનજીના સ્થાનો પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણ બાગ ખાતે ઉગ્ર ધરણા અને વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં મનપા દ્વારા મવડી, ઉદયનગર, માયાણી આવાસ યોજના, યોગીનગર, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં આવેલા હનુમાનજી મંદિરો, દેરીઓ, માતાજીના મંદિરો અને ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘણા મંદિરો વર્ષોથી અસ્તિત્વમાં હતા, અને લોકોની રોજિંદી શ્રદ્ધા સાથે જોડાયેલા હતા. છતાં પણ તંત્ર દ્વારા લોકોને વિશ્ર્વાસમાં લીધા વગર રાત્રિના દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે રામના નામે મત માંગતી ભાજપ સરકાર આજે ભગવાનના મંદિરો પર જ બુલડોઝર ચલાવી રહી છે. દિવસ દરમિયાન રામભક્તિના નાટકો અને મોટી મોટી વાતો કરનારાઓ રાત્રિના અંધારામાં હનુમાનજીની દેરીઓ તોડી રહ્યા છે. આ માત્ર બાંધકામ તોડવાની કાર્યવાહી નથી, પરંતુ હિંદુઓની આસ્થા અને લાગણીઓ પર સીધો પ્રહાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં ભાજપના પૂર્વ સત્તાધીશોના અનેક ગેરકાયદેસર બાંધકામો આજે પણ યથાવત ઉભા છે. ત્યાં તંત્રનું બુલડોઝર નથી પહોંચતું. પરંતુ ગરીબ અને સામાન્ય લોકોના ઘરો તથા હવે ભગવાનના મંદિરો પર જ બુલડોઝર દોડાવવામાં આવે છે. ભાજપ સરકારનો બુલડોઝર માત્ર નબળા લોકો સામે જ કેમ ચાલે છે?. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા એ વધુમાં સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે વિકાસના નામે લોકોની આસ્થા સાથે રમત રમાશે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરીને જનઆંદોલન કરશે. લોકોની લાગણી અને વિશ્ર્વાસને કચડીને કોઈ વિકાસ થઈ શકતો નથી. ધરણા દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક નાગરિકો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.રાજકોટ શહેર કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ પાર્ટી શહેરની જનતા, ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો અને તેમની આસ્થા સાથે મજબૂતીથી ઉભી છે. જો આગામી સમયમાં પણ લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી આવી કાર્યવાહી ચાલુ રહેશે તો રાજકોટ શહેર કોંગ્રેસ વધુ ઉગ્ર આંદોલન અને જનચળવળ શરૂૂ કરશે.
