સાંઢિયા પુલ રેડી પઝેશનમાં, પણ રાજકીય પ્રસિદ્ધિના વાકે લોકાર્પણ હજુ અનિશ્ર્ચિત

18 મહિનાના કામમાં 26 મહિના લાગ્યા, કામ માંડ પુરુ થયુ તો હજુ લોકાર્પણ ક્યારે તેના નેઠા નહીં

બુધ-ગુરૂવારે કોન્ટ્રાક્ટર કબજો સોંપી શકશે : હાલ માત્ર ડિવાઇડરમાં સ્ટોન ફીટ કરવાનું માત્ર 24 કલાકનું જ કામ બાકી : નવા પદાધિકારીઓના ફોટોસેશન અને ભાજપના મોટા રાજકીય નેતાના હાથે લોકાર્પણની રાહમાં હજુ સવા લાખ વાહનચાલકોને કેટલા દિવસ 10 કિલોમીટરની પ્રદક્ષિણા કરવી પડશે?

રાજકોટમાં સવા બે વર્ષથી સવા લાખથી વધુ વાહનસવાર રોજેય 10 કી.મી.ની પ્રદક્ષિણામાં હેરાન થઇ રહ્યા છે તેવા સાંઢિયા પુલનું કામ પુર્ણ થઇ ગયુ છે. રેડી ટુ પઝેશનમાં છે. બુધવાર અથવા તો ગુરુવારે કોન્ટ્રાક્ટર આ નવો પુલ મનપાને સોંપી આપશે તેમ પ્રોજેક્ટ ઇન્ચાર્જ સિટી ઇજનેર અતુલ રાવલ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ. પણ બીજીબાજુ કમનસીબી એ છે કે, મનપાના નવા પદાધિકારીને ફોટોસેશનનો લાભ મળે અને સાથે આ બ્રિજના લોકાર્પણનો જશ મેળવવા કોઇ મોટા રાજકીય નેતા રાજકોટ આવે તેની તારીખ મળે તેની રાહમાં બ્રિજ જનતા માટે ક્યારે ખુલ્લો મુકાશે તે હજુ અનિશ્ચિત છે. રોજ સવા લાખ લોકોને 10 કી.મી. પ્રદક્ષિણા કરવાની કમનસીબી ક્યારે હટશે? તેવો સવાલ હવે જનતા પુછી રહી છે.
રાજકોટના સાંઢિયાપુલનું કામ તા.20મીએ સંપુર્ણ કમ્પ્લિટ થઇ જશે તેમ અઠવાડિયા પહેલા જ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યુ હતુ. અને આજે આ પ્રોજેક્ટ સંભાળતા સિટી ઇજનેર અતુલ રાવલે સતાવાર રીતે એવુ કહ્યુ હતુ કે, કમિશનર સાહેબે જે તારીખ આપી હતી તે યથાવત જ રહેશે અને બુધવાર અથવા ગુરુવારે કોન્ટ્રાક્ટર બ્રિજનો કબજો સોંપી શકે છે. નોંધનીય છે કે, સાંઢિયાપુલ બ્રિજનું કામ 18 મહિનામાં જ પુરુ કરવાની શરત હતી. તેના બદલે 26 મહિને પુરુ થયુ છે. કામ પુરુ થવા છતા પણ પ્રજાજાનોને તો બ્રિજ રેડી હોવા છતાં સુવિધા ભોગવવામા હજુ સુધી ક્યા સુધી કઠણાઇ ભોગવવાનું ચાલુ રહેવાનું છે તે જ નક્કી નથી.

એસ.ટી.નું અંતર 5થી10 કી.મી. ઘટશે, પણ શું ભાડુ ઘટશે ખરા?
સાંઢિયાપુલ બંધ થયા પછી બસપોર્ટથી ઉપડતી જામનગર, દ્વારકા, ખંભાળિયા, મોરબી અને કચ્છ તરફ જતી એસ.ટી. બસના ભાડા વધારી નાખવામા આવ્યા હતા. હવે જ્યારે સાંઢિયા પુલ શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે એસ.ટી.ની બસના રૂટમાં પાંચથી સાત કિલોમીટરનું અંતર ઘટી જશે. હવે જોવાનું એ રહ્યુ કે, એસ.ટી. બસના ભાડામાં ઘટાડો થાય છે કે પછી જૈસે થે વૈસે જ ભાડા લૂંટ ચાલુ રહેશે. રાજકોટથી જામનગર અને મોરબી તરફ અપડાઉન કરનાર નોકરિયાત અને બિઝનેશમેનની સંખ્યા પણ વધુ છે.

શહેરની મધ્યે બસ સહિત ભારે વાહનોના ટ્રાફિકથી ક્યારે મળશે છૂટકારે?

સાંઢિયાપુલ જ્યારથી બંધ કરવામા આવ્યો ત્યારથી ડાયવર્ઝન ભોમેશ્વર થઇને તો બીજીબાજુ રેલનગર-પોપટપરા રૂટથી ડાયવર્ટ કરવામા આવ્યો હતો પરંતુ એસ.ટી., સિટી બસ સહિતના ભારે વાહનો ભોમેશ્વર ફાટક કે પોપટપરા નાલા કે પછી રેલનગર બ્રિજમાંથી પસાર થઇ શકે તેમ ન હોવાથી નછૂટકે કિસાનપરા ચોકથી રૈયા સર્કલ અને ત્યાથી દોઢસો ફૂટ રિંગરોડ થઇને માધાપર ચોકડીએથી પસાર થાય છે. એસ.ટી. અને સિટી બસ સહિતના સેંકડો વાહનોથી આ રૂટ પર ટ્રાફિકનું ભારણ છેલ્લા 26 માસથી વધેલુ છે. જેના કારણે શહેરની અંદરની ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની છે. આખરે આ સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળશે? તેની રાહ શહેરીજનો જોઇ રહ્યા છે.

એકસાથે 15 ટ્રકમાં 360 ટન(3.60 લાખ કિલો) ટન વજન ચડાવીને બ્રિજ ટેસ્ટિંગ પણ થઇ ચુક્યુ છે
હજુ ગત સપ્તાહે જ સાંઢિયાપુલ પર માટી, સિમેન્ટ, કોંક્રિટ અને લોખંડ ભરેલા 15 મોટા ડમ્પરને એકસાથે પુલ પર ઉભા રાખવામા આવ્યા હતા. આશરે 360 ટન એટલે કે 3.60 લાખ કિલો વજન એકસાથે પુલ પર ચડાવીને રાખી મુકવામા આવ્યા હતા. બ્રિજમાં કોઇ વાઇબ્રેશન આવ્યુ ન હતુ. બ્રિજના પીલરમાં ચિત્રનગરીને અનુરૂપ વિવિધ પેન્ટીંગથી ટીપટોપ પણ કરી નખાયુ છે. બ્રિજની દિવાલોમાં પણ આકર્ષક રંગબેરંગી કલરકામ પણ થઇ ચુક્યુ છે.

રિલેટેડ ન્યૂઝ